હાલ જે અરજીઓ પેન્ડિંગ છે તેને ધ્યાને લઇ એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે મોરબી : મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને થતી છેતરપિંડી અટકાવવા તથા ફસાયેલા નાણાં પરત અપાવવા સહિતની કાર્યવાહી માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા પોલીસ SIT (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. આ S.I.T. દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન મોરબી સિરામિક તથા અન્ય ઉદ્યોગોના ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરી કામગીરી કરવામાં આવી છે. ઉપરાંત ગૃહમંત્રીએ એક મહિનાની ખાસ ઝુંબેશ ચલાવવાની પણ જાહેરાત કરી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, કરોડોનો ઉદ્યોગ અને લાખોની રોજગારી પુરી પાડવાની સાથે દેશમાં સૌથી ઝડપી વિકાસ પામનાર શહેર મોરબી છે, જે ગુજરાતનું હ્રદય છે. મોરબીના સૌ નાનામાં નાના વેપારીથી લઇને ઉદ્યોગપતિઓને તમામ પ્રકારનો સહયોગ આપી વેપાર-ઉદ્યોગને રક્ષણ આપવા સહિત જરૂરી બળ પુરૂ પાડવા ભૂપેન્દ્ર પટેલની સરકાર હંમેશા તત્પર છે. મંત્રીએ કહ્યુ કે, વેપારીઓને તાત્કાલીક પોલીસ મદદ મળે તેમજ તેમની ફરીયાદ અને રજુઆતો બાબતે ઝડપી કાર્યવાહી થાય તે માટે એક વર્ષ પહેલા રચાયેલી SITથી વેપારીઓને રક્ષણ તો મળ્યુ જ છે, સાથે સાથે SITની ટીમ કેરલ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાં આ તપાસ માટે પહોંચી ચુકી છે. જેને પરિણામે હવે ચીટર ટોળકીઓમાં ગભરાટ ઉભો થઇ ગયો છે અને ગુજરાતના વેપારીઓના ફસાયેલા રૂપીયા પરત આવવા લાગ્યા છે. હર્ષ સંઘવીએ વેપારીઓને વિશ્વાસ આપતા કહ્યુ કે, હજુ જે વેપારીઓના પૈસા ફસાયેલા છે અને અરજીઓ એસ.આઇ.ટી પાસે પેન્ડીંગ છે, તેના નિરાકરણ માટે આગામી સમયમાં એક મહિનાની મેગા ડ્રાઇવ ચલાવવામાં આવશે. એક્સ્ટ્રા ફોર્સ સાથે ટીમોને અલગ-અલગ રાજ્યોમાં તપાસ માટે મોકલી સૌ વેપારીઓના ફસાયેલા નાણાં પરત કરાવવામાં આવશે. સાથે સાથે મંત્રીએ વેપારીઓને સલાહ આપતા કહ્યુ હતું કે, ધંધાની લાલચમાં એવા કોઇ ચીટર વેપારીઓને માલ ન આપવો જેના કારણે ભવિષ્યમાં રૂપિયા ફસાઇ જાય. પોલીસ તંત્ર વેપારીઓના સહયોગમાં જ છે પરંતુ કેટલીક તકેદારી વેપારીઓએ પણ રાખવી જોઇએ. એસ.આઈ.ટી.ની રચના બાદ વેપારીઓ-ઉદ્યોગપતિઓના ફસાયેલા નાણા બાબતે અલગ અલગ રાજ્યના કુલ ૪૦૮ એકમો વિરુધ્ધ ૧૦૩ અરજીઓ એસ.આઇ.ટીને મળી હતી. જેને ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી અને સિરામિક ઉદ્યોગ સહિતના ઉદ્યોગોના વિવિધ નાણાકીય વ્યવહારોમાં ફસાયેલા રૂ.૧૯ કરોડથી વધુ નાણા પરત કરાવી SITએ વેપારીઓનો વિશ્વાસ જીત્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજી દેઘરીયા, પ્રકાશભાઈ વરમોરા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, રાજકોટ રેન્જ ડીઆઈજી અશોક કુમાર, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ વિવિધ ઉદ્યોગ એસોસિયેશનના પ્રતિનિધિઓ તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________