પોલીસે અગાઉ આઠ આરોપીને ઝડપી લીધા બાદ વધુ એકને પકડ્યો મોરબી : મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશામાં ધૂત થઈને કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા રોષે ભરાયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને માર મારતા એક શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્તા આ બનાવ હત્યામાં પલટાયો હતો. નશાખોરની હત્યાના ગુન્હામાં પોલીસે અગાઉ આઠ આરોપીઓને ઝડપી લીધા ફરાર રહેલા નવમા આરોપીને પણ ઝડપી લીધો હતો. મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ અને જગદીશભાઈ દુદાભાઇ ગત 19 જુનના રોજ રવિવારે બપોરના સમયે દારૂના નશામાં ધમાલ મચાવી કરિયાણાની દુકાન બંધ કરાવી ગામની મહિલાઓને પણ માર માર્યો હતો. આથી, આ મામલો તંગ બનતા કેટલાક શખ્સોના ટોળાએ આ બન્ને શખ્સોને માર માર્યો હતો. તેથી, બન્નેને ઇજા થવાથી બંને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ભરત કોળીએ બાબલ કરી હતી. આથી પોલીસ સ્ટાફ ભરતને હોસ્પિટલેથી પોલીસ સ્ટેશનને લાવ્યા બાદ તેની તબિયત લથડતાં તેને ફરીથી હોસ્પિટલે સારવાર દરમિયાન ભરત રામજીભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. અને મામલો હત્યામાં પલટાયો હતો. આ બનાવ અંગે બન્ને નશાખોર સામે હુમલો કર્યાની મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં મૃતકની પત્નીએ નવેક શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે અગાઉ આઠ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે ફરાર રહેલા નવમા આરોપી રાહુલભાઈ રમેશભાઈ ગણેશિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો.