કલેક્ટરે ગ્રામજનોના અનેક પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કર્યું મોરબી : મોરબીના ગોર ખીજડીયા ગામે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોર ખીજડીયા ગામે યોજાયેલી રાત્રી સભામાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને નેનો યુરિયાની સમજણ આપવામાં આવી હતી. મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા દ્વારા રાત્રિ સભાના ઉદ્દેશ અને સરકારના સુશાસનના અભિગમની વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત ગ્રામજનોને પોતાના વ્યક્તિગત કે સામૂહિક જો કોઈ પ્રશ્ન કે રજૂઆત હોય તો તે રજૂ કરવા જણાવ્યું હતું. જે બાદ ગ્રામજનો દ્વારા પાણીના સંપની રજૂઆત થતા જિલ્લા કલેકટરે તાત્કાલિક વાસમોના અધિકારીને પ્લાન એસ્ટીમેટ તૈયાર કરવા હુકમ કર્યો હતો. આધાર કાર્ડની કીટ બાબતે રજૂઆત થતા તાલુકા વિકાસ અધિકારી મોરબીને તાત્કાલિક કીટ ફાળવવા સુચના આપી હતી. આ ઉપરાંત આંગણવાડી, પીજીવીસીએલ, કેનાલ વગેરેને લગતા પ્રશ્નો રજૂ થતાં જિલ્લા કલેકટરે સંબંધીત વિભાગના અધિકારી પાસેથી વિગતો જાણી કેટલા સમયમાં પ્રશ્નનું નિરાકરણ થશે તેની જાહેરાત કરાવી હતી અને મોરબી તાલુકા મામલતદારને આ બાબતોનું ફોલોઅપ લઈ પોતાને માહિતગાર કરવાનું જણાવતા ઉપસ્થિત ગ્રામજનોએ જિલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો હતો.