મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - મોરબી ખાતે તાજેતરમાં પ્રાકૃતિક ખેતી શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં 100થી વધુ તાલીમાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.દેશમાં ગુજરાત રાજય પ્રાકૃતિક ખેતીમાં સૌથી વધુ ઝડપે આગળ વધી રહેલ છે. એજ રીતે ગુજરાતમાં મોરબી જિલ્લો અગ્રેસર બનવા તરફ આગળ વધી રહેલ છે. મોરબી જિલ્લામાં સામાજિક સંસ્થાઓ, સેવાભાવી ટ્સ્ટો, સામાજિક કાર્યકરો આ દિશામાં સતત પ્રયત્નશીલ છે. આ જિલ્લો આર્થિક રીતે સધ્ધર હોવાથી આવી પ્રવૃત્તિઓને વેગ મળેલ છે.મોરબી જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા તથા આવી ખેતી કરતા લોકોને પ્રોત્સાહન આપવા કૃષિવિજ્ઞાન કેન્દ્ર - મોરબી ખાતે મધુરમ ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 60 તાલીમાર્થીઓને સમાવવાનું આયોજન હતું. જેમાં રજિસ્ટ્રેશન ફરજીયાત હોવા છતા ખેડૂતોના ઉત્સાહને કારણે 100 તાલીમાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત 50 જેટલા ખેડૂતોને સવિનય ના પાડીને ફરીથી બીજી તાલીમ યોજાય તેમાં સમાવેશ કરવા જણાવ્યુ હતું.શિબિરમાં તાલીમાર્થીઓને નિષ્ણાંતો દ્વારા નિ:શુલ્ક માર્ગદર્શન તથા સાહિત્ય આપવામાં આવ્યું હતું. આત્મા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ, ભરત પરસાણા, પ્રાકૃતિક ખેતી નિષ્ણાંત દાજીભાઇ, ગીરગંગા ટ્રસ્ટ, એક્સલ ઇન્ડસ્ટ્રીઝ, કિસાનસંઘ વગેરેના નિષ્ણાંતોએ હાજર રહી તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું. ગોંડલના ગૌશાળા સંચાલક શરદ ગજેરાએ પોતાની ગૌશાળામાં દેશી ગાયના છાણમાંથી બનાવેલ ધૂપબતીના પેકેટ આપી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મધુરમ ફાઉન્ડેશન તરફથી તમામ તાલીમાર્થીઓને દેશી શાકભાજીના 10 પ્રકારના બિયારણનું ફ્રી વિતરણ કરાયું હતું.સ્થળ પર પ્રાકૃતિક કૃષિ તથા અન્ય ઓર્ગેનિક ઉત્પાદનના વેચાણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તાલીમાર્થીઓમાં નિવૃત ખેતીવાડીનાં ઉચ્ચ અધિકારીઓ, આર.એફ.ઓ., ફોરેસ્ટરો, ડૉક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો વગેરે પણ સામેલ હતા. તાલીમનું વાતાવરણ દર્શાવતુ હતુ કે પ્રાકૃતિક ખેતી બાબતે લોકોમાં ખુબ જ જાગૃતિ આવેલ છે. લોકોએ મધુરમ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પ્રવૃતિની સરાહના કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન પ્રાણજીવન કાલરિયાએ કર્યું હતું.