મોરબીમાં મન પડે ત્યાં હોર્ડિંગ્સ ખડકી દેનારા આસામીઓ પાસેથી ટેક્સ વસુલાત બંધ નગરપાલિકાની અસીમ કૃપાથી હોર્ડિંગ્સ પેઢીઓને તાગડધિન્ના મોરબી : મોરબી નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગની અસીમ કૃપાથી હોર્ડિંગ્સ મારફતે જાહેરખબર કરતી એડવર્ટાઇઝિંગ એજન્સીઓને ઘી કેળા થઇ પડ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી નગરપાલિકાના અધિકારીઓ હોર્ડિંગ્સના ભાડાના નાણાં વસૂલવાનું બંધ કરી દેતા લાખો રૂપિયાની આવક ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ પાલિકામાં તોતિંગ બહુમતી મેળવનારા ભાજપના શાસકો પણ હોર્ડિંગ્સની આવક ગુમાવવા અંગે અજાણ બની જતા પાલિકાના અધિકારીઓ હોર્ડિંગ્સની આવક સદંતરપણે ભૂલી જવા પામ્યા છે. મોરબી નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા મુખ્ય માર્ગો ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર 2000થી 3000 જેટલા હોર્ડિંગ્સ બોર્ડ લટકી રહ્યા છે અને ખાનગી હોર્ડિંગ્સ ઉભા કરનાર આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીના સંચાલકો દ્વારા એક-એક હોર્ડિંગ્સ બોર્ડ પેટે રૂપિયા 5000થી લઈ 25 હજાર કે 50 હજાર સુધીના ભાડા વસુલ કરવામાં આવે છે. પરંતુ નગરપાલિકાને હોર્ડિંગ્સ ભાડા પેટે ફદિયું પણ ચુકવતા નથી. સામાન્યરીતે ગ્રામ પંચાયતથી લઈ નગર પાલિકા અને મહાનગર પાલિકા આવા હોર્ડિંગ્સ ઉભા કરનાર આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સી પાસેથી નિયત કરેલા દર મુજબ ભાડું વસુલ કરતા હોય છે અને આ અગાઉ મોરબી નગર પાલિકા દ્વારા પણ માત્ર સમ ખાવા પૂરતા વર્ષના માત્ર પાંચ લાખ રૂપિયા જે તે એજન્સી પાસેથી વસુલ કરવામાં આવતા હતા પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મોરબી નગરપાલિકા દ્વારા અસીમ કૃપા વરસાવવાનું ચાલુ કરી આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓને છૂટો દૌર આપી ભાડું વસૂલવાનું જ બંધ કરી દેતા નગરપાલિકાને મોટી આવક ગુમાવવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં મોરબી નગરપાલિકામાં સંપૂર્ણપણે ભાજપની બહુમતી આવી છે અને બુદ્ધિશાળી શાસકો મોરબીના લોકોની સુખાકારી અને આવક વધારવા માટે પ્રયત્નશીલ બન્યા છે. પરંતુ હજુ સુધી હોર્ડિંગ્સની આવક બંધ થવાની દિશામાં જોઈ શક્યા નથી. જેનો સીધો જ ફાયદો એડવર્ટાઇઝિંગ એજન્સીને મળી રહ્યો છે. જો કે, નગરપાલિકા આવક માટે ન વિચારી શકે તો ચાલે પરંતુ અનેક સાઈટ ઉપર આવા હોર્ડિંગ્સ લોકો માટે અત્યંત જોખમી બન્યા હોવા છતાં પણ પાલિકા આ દિશામાં વિચારતી ન હોવાનું બહાર આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..