પાડોશી મકાન માલિકે પોતાની જગ્યાએ પીલોર બનાવ્યાનો દાવો કરતા પાલિકાએ પુરાવા રજૂ કરવાની તાકીદ કરી મોરબી : મોરબીના પોશ વિસ્તારમાં એવન્યુ પાર્ક પાસે સ્થાનિક રહીશે ગેરકાયદે પીલોર ખડકી દીધા હોવાની ફરિયાદ સાથે આજે પાલિકા તંત્ર ત્રાટક્યું હતું અને આ ગેરકાયદે ખડકાયેલા પીલોરના બાંધકામને દૂર કરી દીધા હતા. જો કે સ્થાનિક રહીશે પોતાની જગ્યાએ પીલોર બનાવ્યાનો દાવો કરતા પાલિકાએ પુરાવા રજૂ કરવાની તાકીદ કરી હતી. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના જણાવ્યા મુજબ મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પહેલા પંપીગ સ્ટેશન પાસેની જગ્યામાં નગરપાલિકા દ્વારા દીવાલ બનાવવાની હતી.પણ સ્થાનિક રહીશે પાલિકાની આ જગ્યામાં પીલોરનું બાંધકામ કરીને ગેરકાયદે દબાણ ખડકી દીધું હતું.આથી આ રહીશ પાસે તે જગ્યાના પુરાવા ન હોવાથી નગરપાલિકા દ્વારા આ પીલોરના બાંધકામને હટાવી દેવામાં આવ્યું હતું. પણ સ્થાનિક રહીશે આ દબાણ હટાવતા પોતાની જગ્યાએ બાંધકામ કર્યું હોવાનો તંત્ર સમક્ષ દાવો કર્યો હતો. આથી તંત્રએ તેના પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું.