અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડેલા જાહેરનામાંના ભંગ બદલ દંડનાત્મક કાર્યવાહી થશે મોરબી: હાલની પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો-વ્યવસ્થા જાળવવા તથા લોકોના જાનમાલની સલામતી માટે તેમજ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જિલ્લાના તમામ વિસ્તારોમાં એક મહિના માટે હથિયારબંધી લાગુ કરી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોષીએ જાહેર કરેલા જાહેરનામા અનુસાર હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ, વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા એ અંગેના સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મનુષ્યો અથવા શબોના પૂતળા કે તેના જેવી આકૃતિઓ દેખાડવાની; કે જેનાથી સુરુચિભંગ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા એ પ્રકારની કોઈ ચેષ્ટા કરવા તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા, બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા કે ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.