રામનવમીના અવસરે ગામની મહિલા સમિતિ દ્વારા પુસ્તક પરબનો પ્રારંભટંકારા : આજના મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વાંચનથી વિમુક્ત થતા જાય છે. આ સમસ્યામાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મુક્ત બને અને તેઓમાં વાંચન પ્રીતિ વધે, વાંચન પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે ગામમાં એક પુસ્તકાલય હોવું જોઈએ. શહેર કે મોટા ગામમાં પુસ્તકાલય હોય પણ ત્યાં દરેક વખતે આબાલવૃદ્ધ જઈ શકતા ન હોય લાગધીરગઢ ગામના શિક્ષિકાએ બે મહિના પહેલા વિચાર મુકતા જ ગામની મહિલા સમિતિએ સહર્ષ વિચારને વધાવી લઈ રામનવમીના અવસરે હરતા ફરતા પુસ્તકાલયનો પ્રારંભ કરાવ્યો છે.ટંકારા તાલુકાના લગધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબેન પીપલિયા શાળા, સમાજ અને છાત્રોના વિકાસ માટે અનેકવિધ નવતર પ્રયોગ કરતા રહે છે. ત્યારે તેઓએ ગામના બાળકો અને મોટેરાઓ માટે પુસ્તક પરબ શરૂ કરવા વિચાર મુકતા લખધીરગઢ ગામની મહિલા સમિતિની યુવાબહેનોએ વધાવી લીધો અને હરતું ફરતું પુસ્તકાલય અમલમાં આવ્યું. રવિવારે રામનવમીના પવિત્ર દિવસે રામમંદિર ચોકમાં પ્રથમ પુસ્તક પરબ સરપંચ ધર્મિષ્ઠાબેન ઢેઢી દ્વારા પુસ્તક પૂજન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.પ્રથમ પુસ્તક પરબમા ઘણો સારો પ્રતિસાદ મળ્યો. ઘણાં પુસ્તક પ્રેમીઓએ પુસ્તક પરબની મુલાકાત લીધી અને વાંચન માટે પુસ્તકો પણ લઈ ગયા. જેમાં બાળસાહિત્યના પુસ્તકોમાં પ્રકાશભાઈ કુબાવત, જીવતીબેન પીપલિયા 'શ્રી' અને સંજયભાઈ બાપોદરિયાના પુસ્તકોને મોખરાનું સ્થાન મળેલ હતું. આ ઉપરાંત સામાન્ય જ્ઞાન અને ધાર્મિક પુસ્તકો લોકો વાંચવા માટે લઈ ગયા હતા.પ્રથમ પુસ્તક પરબમાં જ ગાયત્રીનગર પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બોડા દ્વારા 51 પુસ્તકોનું દાન તેમજ સરપંચ દ્વારા પુસ્તકોનું દાન મળેલ હતું. આ ઉપરાંત આર્ય સમાજના મંત્રી દેવજીભાઈ પડસુંબિયાએ પણ 51 પુસ્તકોનું દાન આપવાની જાહેરાત કરી હતી.