ક્રેઇનના ધંધાર્થી બાઈક લઈને મસ્જિદે જતા હતા ત્યારે જ કાળ આંબી ગયોમોરબી : મોરબીના અમરનગરથી બાઈક લઈ કાંતિનગર મસ્જિદ ખાતે નમાઝ અદા કરવા જઇ રહેલા અમદાવાદના વતની આધેડને ટીંબડી પાટિયા નજીક ટ્રેઇલર ટ્રકના ચાલકે હડફેટે લેતા આધેડનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ અમદાવાદ રખિયાલના વતની અને હાલમાં મોરબીના અમરનગર નજીક ક્રેન સર્વિસનો ધંધો કરતા અને ત્યાં જ રહેતા સલીમખાન ભૂરાખાન પઠાણ ગત તા.3ના રોજ બપોરના સમયે બાઈક લઈ મોરબી કાંતિનગર ખાતે આવેલ મસ્જિદમાં નમાઝ અદા કરવા જતાં હતાં ત્યારે ટીંબડી ગામના પાટિયા નજીક રોડની કટ્ટ પાસે આરજે - 32 - જીડી - 9383 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં સલીમખાનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર સલમાનખાન પઠાણે ટ્રેઇલર ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.