મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા 20થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની હાકલમોરબી : મોરબીમાં પાટીદાર સમાજના ભામાશા અને જીવનપર્યત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર સ્વ. ઓ.આર પેટલની 11મી પુણ્યતિથિએ 20થી વધુ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ અપાશે. મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની હાકલ કરવામાં આવી છે.મોરબીના પાટીદાર સમાજના ભામાશા સ્વ. ઓ.આર. પટેલે વિશાળ ઘડિયાળનું કારખાનું બનાવી હજારો મહિલાઓને સ્વનિર્ભર બનાવી તેમજ કન્યા કેળવણી ક્ષેત્રે બહેનોને શિક્ષણ આપી સ્ત્રી સશક્તિકરણ કરી તેમજ હજારો દીકરીઓ શિક્ષણ આપવા શાળા કોલેજો શરૂ કરી ખેડૂતોની સિંચાઈ માટે ચેકડેમ બાંધી પાણીની વ્યવસ્થા કરી જીવનપર્યત દરેક ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં જીવન સમર્પિત કરી દીધું હતું. આવા ભામાશા સ્વ. ઓ.આર.પટેલની તા.18ના રોજ 11મી પુણ્યતિથિ હોવાથી તેમની વિચારધારાને અનુસરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઓ.આર.પટેલની તા.18ના રોજ 11મી પુણ્યતિથિએ શનાળા ગામે પટેલ સમાજની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી જિલ્લા પાટીદાર સમાજ દ્વારા 20થી વધુ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં મોરબી, હળવદ ટંકારા, અમદાવાદ, રાજકોટ સહિતના સ્થળોએ એક જ દિવસે એટલે 18મીએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે, આ બ્લડ ડોનેશન કેમ્પ સ્થાનિક સરકારી હોસ્પિટલો અને બ્લડ બેન્કના સહયોગથી યોજવામાં આવશે. અનેક રેકોર્ડ બ્રેક બ્લડ ડોનેટ થાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે ગરીબ દર્દીઓને ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડે તો તાત્કાલિક બ્લડ મળી રહે તે માટે બ્લડ બેન્કોને યોગ્ય સહયોગ આપવા માટેની તજવીજ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 15 બ્લડ બેન્ક તૈયાર થઈ ગઈ છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના આયોજન અંગે પાટીદાર સમાજના અગ્રણી બેચરભાઈ હોથી, એ.કે. પટેલ, મનુભાઈ કૈલા, ત્રમ્બકભાઈ, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા સહિતનાએ માહિતી આપી હતી, અને દરેક સમાજના લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે.