હળવદ : વિકાસની હરણફાળ ભરી રહેલા હળવદ શહેરના સુવ્યવસ્થિત વિકાસની રૂપરેખા ઘડવા આગામી તા.4ના રોજ હળવદ યાર્ડ ખાતે ધારાસભ્ય વરમોરાની ઉપસ્થિતિમાં વિચાર વિમર્શ બેઠક યોજાશે.હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર તથા વહીવટદાર દ્વારા તા. 4 જાન્યુઆરીને ગુરૂવારે સવારે 10 કલાકે માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે હળવદ વિકાસ યોજના તૈયાર કરવા વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હળવદ- ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં હળવદ નગરપાલિકા દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ- 1976ની જોગવાઈ હેઠળ હળવદ વિસ્તારની પુનરાવર્તિત વિકાસ યોજના તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તે અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે.હાલમાં હળવદની વિકાસ કામગીરી માટે વર્ક ઓર્ડર દ્વારા પ્લાનિંગ સોલ્યુશન, વડોદરા તેમજ માર્ક કન્સલ્ટન્સી, અમદાવાદને કામગીરી સોંપેલી છે. આ વિકાસ યોજનાની કામગીરીના ભાગરૂપે પ્રથમ બેઝ મેપ બની ગયો હોવાથી દરેક સભ્યોને આ વિશે માહિતી મળી રહે તે હેતુથી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં દરેક સભ્યોએ હાજર રહેવા હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.