છેલ્લા 10 વર્ષના વરસાદની સમીક્ષા સાથે સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા તંત્રને એલર્ટ કરાયુંમોરબી: મોરબી જિલ્લામાં ચોમાસાની ઋતુના આગોતરા આયોજન માટે કલેકટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકનું સંચાલન પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી અધિક નિવાસી કલેકટર એસ. જે. ખાચર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છેલ્લા 10 વર્ષમાં મોરબી જિલ્લામાં પડેલા વરસાદની આંકડાકીય સમીક્ષા કરવામાં આવી હતી.આગામી ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો તકેદારીના પગલાં લેવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની જવાબદારી અંગે સંબંધિત અધિકારીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચોમાસામાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અત્યારથી જ કાર્યવાહી શરૂ કરવાની કડક સૂચના આપવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે વરસાદની સ્થિતિમાં સલામત આશ્રય સ્થાનો પર ખસેડવા, ભારે વરસાદની આગાહી અંગે લોકોને સાવચેતીના સંદેશાઓ સમયસર પૂરા પાડવા તેમજ ડી-વોટરીંગ પંપ, પાઇપ, હોડી, દોરડા અને જનરેટર સહિતની બચાવ કામગીરીની સુવિધાઓ હાથવગી રાખવા જણાવાયું હતું. વરસાદ બાદ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દવાઓના પૂરતા જથ્થા સહિતની આરોગ્યલક્ષી વ્યવસ્થા કરવા પણ તાકીદ કરાઈ હતી.વધુ વરસાદમાં કોઈપણ પ્રકારની જાનમાલની હાની ન થાય તે માટે પૂરતી તકેદારી રાખવા કલેકટર દ્વારા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, આપત્તિ વ્યવસ્થાપન માટે તમામ અધિકારીઓને 'સચેત' એપ ડાઉનલોડ કરવા જણાવાયું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને મનપા ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #Monsoon2026 #PreMonsoonPlanning #MorbiNews #DisasterManagement #CollectorMorbi