‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લામાં 30 જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજાશે: પ્રજાના પ્રશ્નો અને વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરાઈમોરબી અપડેટ: મોરબી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ લોકોને તેમના ઘરઆંગણે જ વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળી રહે તે માટે મોરબી જિલ્લામાં અંદાજે 30 જેટલા ‘સેવા સેતુ’ કાર્યક્રમો યોજવા માટે જરૂરી આયોજન કરવા સંબંધિત તંત્રને સૂચના આપી હતી.બેઠક દરમિયાન સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મોરબી જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને રાજકોટ એઈમ્સના સહયોગથી જિલ્લાકક્ષાનો મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજવા તેમજ નશામુક્તિ અભિયાન હાથ ધરવા મહત્વનું સૂચન કર્યું હતું. આ તકે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી વિભાગોની કામગીરી તેમજ પ્રગતિ હેઠળના વિકાસકામોની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં સરકારી કચેરીઓ માટે જમીન માંગણી, પેન્શન કેસ, આયોજનના કામો, પ્રવાસન સ્થળોના વિકાસકામો, ‘નમો વન’ ફેઝ-3 ના વિકાસકામો, ઈ-સરકાર પેન્ડન્સી અને મધ્યાહન ભોજન સહિતના વિવિધ મુદ્દાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ ઉપરાંત બેઠકમાં જિલ્લા પ્રવાસન સમિતિ, જિલ્લા તકેદારી સમિતિ અને જિલ્લા પુરવઠા સમિતિની બેઠકો પણ યોજાઈ હતી. ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો દૂર કરવા અને જમીનની માપણી સહિતના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોના સમયસર નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી.સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર નવલદાન ગઢવીએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #SevaSetu #SankalanSamiti #KantibhaiAmrutiya #GujaratGovernment #MorbiCollector