મોરબીઃ 28 ફેબ્રુઆરીના દિવસે ઠેર ઠેર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીની નિર્મલ વિદ્યાલયમાં પણ ગત 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે નિર્મલ વિદ્યાલયમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં શાળાના પ્રાથમિક વિભાગના ધોરણ 5 થી 7ના કુલ 310 વિદ્યાર્થીઓ દ્વારા 110 જેટલી ગણિત-વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચાલન જેવા સાદા યંત્રથી લઈને Li-Fi (લાઈટ ફિડાલીટી) અને AI (આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સી) જેવી અતિ આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી બનાવેલી કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાણિતિક સિદ્ધાંતો અને કોયડા આધારિત મોડેલ્સ અને વૈદિક ગણિત આધારિત ઝડપી ગણતરીની વિવિધ રીતો સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના આચાર્ય ગોવિંદભાઈ કલોલા અને ગણિત-વિજ્ઞાનના શિક્ષકોએ બાળકોને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં વિદ્યાર્થીઓની રુચિ વધારનારા આ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટીઓએ સમગ્ર સ્ટાફનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.