વાંકાનેર : વાંકાનેરના ઢુંવા -માટેલ રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યનું વતની શ્રમિક દંપતી બાઈક લઈને વાંકાનેર ખાતે દવા લઈ પરત કારખાને જતા હતા ત્યારે બાઈક પાછળ બેઠેલા પત્નીને અચાનક ચક્કર આવી જતા બાઈક પરથી નીચે પડી ગયા બાદ ટ્રક હડફેટે ચડી જતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઓરિસ્સાના વતની અને હાલમાં વાંકાનેરના ઢુંવા -માટેલ રોડ પર આવેલ ક્યુરો સીરામીક ફેકટરીમાં કામ કરતા દુર્ગાપ્રસાદ સોરેનના પત્નીની તબિયત ખરાબ થતા તેઓ બાઈક પર દવા લઈ પરત કારખાને આવતા હતા ત્યારે ગત તા.21ના રોજ સેન્ટોસા સીરામીક સામે બાઈક પાછળ બેઠલા દુર્ગાપ્રસાદના પત્ની જ્યોત્સનાબેન દુર્ગાપ્રસાદ સોરેન ઉ.21ને અચાનક ચક્કર આવતા બાઈક પરથી નીચે પડી ગયા હતા.બરાબર આ જ સમયે બાજુમાંથી પસાર થતા ટ્રકની હડફેટે આવી જતા જ્યોત્સનાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ સીવીલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.