અલગ-અલગ શહેરોમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, યુવતી પાસેથી ૧૭.૫૦ લાખ પણ પડાવ્યા, ધમકી આપનાર તેના પરિવારના બે સભ્યો સામે પણ પોલીસ ફરિયાદમોરબી અપડેટ : મોરબીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યાની અને લાખો રૂપિયા પડાવી લેવાની હચમચાવી મુકનારી ઘટના સામે આવી છે. વર્ષ ૨૦૧૮માં ઇન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતા બાદ એક શખ્સે સગીરાને વિવિધ શહેરોમાં ફેરવીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત બ્લેકમેલ કરીને કટકે-કટકે ૧૭.૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પણ પડાવી લીધી હતી. ભોગ બનનાર યુવતીને આરોપીના પરિવારજનો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી અપાતા અંતે કંટાળીને પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ ૨૦૧૮માં મોરબીમાં રહેતી અને તે સમયે સાડા સત્તર વર્ષની ઉંમર ધરાવતી સગીરા ઇન્સ્ટાગ્રામ મારફતે ભાવનગરના વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયા નામના શખ્સના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં માત્ર ઓળખાણ અને મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યારબાદ આરોપી વિશ્વરાજસિંહ આ સગીરાને મોરબી, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર સહિતની જુદી-જુદી જગ્યાઓએ લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આરોપીએ યુવતી પાસેથી યેનકેન પ્રકારે કટકે-કટકે કુલ ૧૭.૫૦ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પણ પડાવી લીધી હતી.આ સમગ્ર મામલે આરોપી વિશ્વરાજસિંહના પિતા ગણપતસિંહ સરવૈયા અને તેના ભાઈ જયદીપસિંહ ગણપતસિંહ સરવૈયાએ પણ ભોગ બનનાર યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. જેથી આ ત્રાસથી કંટાળીને અને ન્યાય મેળવવાની આશા સાથે ભોગ બનનાર યુવતીએ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વરાજસિંહ અને તેના પરિવારના બે સભ્યો મળી કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આ કેસની વધુ તપાસ પીઆઇ વાય. બી. જાડેજા ચલાવી રહ્યા છે.