ગ્રીન ચોક પાસેની કરુણ ઘટના: ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યોમોરબી: મોરબીમાં ગત રાત્રે તાજિયાના જુલૂસ દરમિયાન એક કરુણ ઘટના સામે આવી છે. તાજિયામાં છરી વડે હુલ લેતી વખતે અકસ્માતે છાતીના ભાગે છરી લાગી જતાં એક પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓને રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના ભોયવાડામાં ઉસ્માનીયા મસ્જિદ પાસે રહેતા અબ્દુલશા હાસમશા શાહમદાર (ઉં.વ. 55) રાત્રે 12:30 વાગ્યાના અરસામાં મોરબી ગ્રીન ચોક નહેરૂ બજાર પાસે તાજિયાના જુલૂસમાં ગયા હતા. ત્યાં તેઓ છરીની મદદથી હુલ લઈ રહ્યા હતા, તે વખતે અચાનક જ છરી તેમના છાતીના ભાગે લાગી ગઈ હતી. ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોએ તેમને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.બનાવની જાણ થતાં તેમના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી ગયા હતા. પ્રૌઢની હાલત વધુ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અબ્દુલશાનું મૃત્યુ નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. મૃતક અબ્દુલશા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ 3 બહેન અને 5 ભાઈઓમાં નાના હતા. તેમના સંતાનમાં 2 દીકરી અને 1 દીકરો છે. અબ્દુલશાના અચાનક નિધનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ મોરબી પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી આગળની વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #Accident #RajkotCivilHospital #TragicIncident #MorbiPolice #Tajiya #GujaratNews