મોરબી: તાલુકાના રાજપર (કુંતાસી) ગામે રાષ્ટ્રીય પક્ષી મોરને રખડતા શ્વાનના પંજામાંથી મહામુસીબતે જીવદયાપ્રેમી નાગરિકે બચાવી વન વિભાગને સોંપવા તજવીજ આદરી છે. રાજપર (કુંતાસી) ગામે નિર્ભય બનીને વિચરણ કરતા રાષ્ટ્રીય પક્ષી મોરની પાછળ ત્રણ રખડતા શ્વાન પડી ગયા હતા. આ દ્રશ્ય જોઈ મુન્નાભાઈ નામના જીવદયા પ્રેમી નાગરિકે કાંટાની વાડોની પરવાહ કર્યા વિના દોટ મૂકી હતી. ત્રણ ત્રણ શ્વાનોના પંજામાં સપડાઈ ચૂકેલા મોરને મહામુસીબતે મુન્નાભાઈએ છોડાવ્યો હતો. જો કે આ દરમ્યાન મોરના પગે ગંભીર ઇજા પહોંચી હતી. શ્વાનોના હુમલાથી પક્ષી અત્યંત ભયભીત બન્યું હોય પ્રથમ તો મુન્નાભાઈએ મોર પર પાણીનો છંટકાવ કરી, પાણી પીવરાવી મોરને શાંત કરી તેનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. ત્યારબાદ મોરને ચણ આપતા મોર થોડો સ્વસ્થ બન્યો હતો. રાજપર કુંતાસી ગામના સરપંચ મનોજભાઈ પ્રગજીભાઈ ધોરીયાણીને બનાવની જાણ થતાં તેઓએ વન વિભાગના કર્મચારી અશોકભાઈને ટેલિફોનિક જાણ કરી હતી. વન વિભાગે બનાવની નોંધ લઇ મોરને ઉક્ત સ્થળેથી રેસ્ક્યુ કરી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા માટે જીપની વ્યવસ્થા કરી છે.