મોરબી : મોરબીના ચકમપર ગામે દીપડાએ દેખા દીધી છે. ચકમપર ગામમાં આવેલા ભોજીયાવાળા વોંકળામાં દીપડો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. દીપડાએ માલધારીના વાડામાં રહેલી બકરીનું મારણ પણ કર્યું છે. ચકમપર ગામના સરપંચ રવિભાઈ કાલરીયાએ મોરબી અપડેટને માહિતી આપી છેકે, આજે દિવસ દરમિયાન જ દીપડો ગામમાં દેખાયો છે. ગામના માલધારીના કેટલાક છોકરાઓએ દીપડાને બકરીનું મારણ કરતાં જોયો હતો. બકરીનું મારણ કરીને દીપડો અવાવરું જગ્યાએ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ પંચાયત દ્વારા હાલ વન વિભાગને પણ જાણ કરી છે અને વન વિભાગની ટીમ દીપડાને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધરી રહ્યું છે. સાથે જ ગ્રામ પંચાયત દ્વારા સલામતીના ભાગરૂપે ગામ લોકોને સાવચેત રહેવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા વિનંતી કરી છે.