ટુર ઓપરેટરોને ઇન્ટરનેશનલમાં વીએતનામ, દુબઇ, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયા તેમજ ડોમેસ્ટિકમાં રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, અંદમાન, ઉત્તરાખંડના મોટી સંખ્યામાં બુકીંગ થયામોરબી : મોરબીવાસીઓ તહેવારો અને રજાઓને માણવામાં કોઈ કસર છોડતા નથી. તેમાંય દિવાળીનું વેકેશન હોય એટલે બીજું શું જોઈએ, થેલા લઈને નીકળી જ પડવાનું હોય ને...આ દિવાળીની રજાઓમાં મોટી સંખ્યામાં મોરબીવાસીઓ બહાર ફરવા જવાના છે. ટુર ઓપરેટરોને અત્યારથી જ મોટી સંખ્યામાં બુકીંગ મળી ગયા છે. મોરબી ટ્રાવેલ એજન્ટ એસોસિએશનના મોટાભાગના સભ્યોના જણાવ્યા અનુસાર આ વખતે દિવાળીના બુકીંગ સારા છે. ડોમેસ્ટિક ટુરમાં ખાસ કરીને ઉદયપુર, કુંભલગઢ, ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, અંદમાન, કર્ણાટક, ઉત્તરાખંડ, કેરળના બુકીંગ નોંધાયા છે. જમ્મુ કાશ્મીરના બુકીંગ સાવ ઓછા છે. આ ઉપરાંત ઈન્ટરનેશનલ ટુરમાં વીએતનામ, દુબઇ, થાઇલેન્ડ, સિંગાપોર, મલેશિયાના પણ સારા બુકીંગ છે. સાઉથ એશિયા તરફ જ મોટા ભાગના લોકો જઈ રહ્યા છે.આમ ટુર ઓપરેટરોની દિવાળી ગત વર્ષ કરતા આ વર્ષે સારી રહેવાની છે. બીજી તરફ આ વખતે નોર્થમાં વરસાદના કારણે ત્યાંના પેકેજ બુક થયા નથી. આ ઉપરાંત બીજા અમુક સ્થળોએ પણ વરસાદના કારણે અમુક બુકીંગ હજુ હોલ્ટ ઉપર છે. મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે કે મોરબીવાસીઓ એસોસિએશનમાં નોંધાયેલા સભ્યો પાસે જ પેકેજ બુકીંગ કરાવવાનો આગ્રહ રાખે. કારણકે અત્યારે બુકીંગના નામે છેતરપીંડીના બનાવો વધી રહ્યા છે.વધુમાં ઘણા મોરબીવાસીઓ જેસલમેર, ઉદયપુર અને ગોવા જેવા સ્થળો ઉપર જાતે હોટેલ બુકીંગ કરી પોતાની રીતે જવાના છે. ઉપરાંત બહોળી સંખ્યામાં મોરબીવાસીઓ કોઈ બુકીંગ સીધા પણ જુદા જુદા સ્થળોએ ફરવા નીકળી જશે. ઉલ્લેખનીય છે કે દિવાળીના વેકેશનમાં દેશ વિદેશના સારા ટુરીસ્ટ પ્લેસ ઉપર મોરબીવાસીઓ તો જોવા મળવાના જ છે. શાળાઓમાં બાળકોને દિવાળીનું મીની વેકેશન મળતું હોય ઉપરાંત ધંધામાં પણ લાભ પાચમ સુધી રજાઓ હોય હજારોની સંખ્યામાં મોરબીવાસીઓ પરિવાર તથા મિત્રો સાથે ફરવા નીકળી જવાના છે.