ગામના સરપંચે સરકારી તંત્રને જાણ કરતા જવાબદારીની ફેંકાફેકીમોરબી : માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં આજે સવારે મોટી સંખ્યામાં માછલાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ગંભીર ઘટના મામલે ગામના સરપંચે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે. પરંતુ બંને વિભાગ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા હોવાનું સરપંચે જણાવ્યું હતું. જયારે આ અંગે મોરબી અપડેટે મત્સ્ય ઉદ્યોગના અધિકારી સાથે વાત કરતાંતેમને જણાવ્યું હતું કે અમોને હજુ કોઈ જાણ નથી પરંતુ ક્યાં કારણોસર મોત થયા છે તે તપાસ કરવામાં આવશેમાળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં ગત રાતથી આજ સવાર સુધીમાં અસંખ્ય માછલાઓના મોત થયા હોવાથી ગ્રામજનો ચિંતિત બન્યા છે. ગામના સરપંચ સુરેશભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આજ સવારે મને જાણ થતા હું ઘટના સ્થળે પહોંચતા ત્યાં ઝીંગાથી માંડીને 10 કિલો સુધીની અસંખ્ય માછલીઓના મોત થઇ ગયા છે. આ અંગે અમે પશુપાલન અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી પરંતુ બંને એ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. બીજી તરફ મત્સ્યોદ્યોગ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.