આ પ્રસંગે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 90 બોટલ રક્ત એકત્રિત થયું: સંતો-મહંતોના પ્રેરક ઉદબોધન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામે હડમતિયા મંડલના 10 ગામોનું ભવ્યાતિભવ્ય 'હિન્દુ સંમેલન' સંપન્ન થયું હતું. જેમાં હડમતિયા સહિત લજાઈ, વિરપર, ઘનુડા, સજનપર, ટોળ, અમરાપર, જીવાપર, ધ્રુવનગર અને રાજાવડલા ગામના આગેવાનો અને 5000થી વધુ લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ (Live Telecast) પણ કરવામાં આવ્યું હતું.સંતો-મહંતોનું પ્રેરક ઉદ્બોધન:કાર્યક્રમમાં બોટાદના આત્માનંદ સરસ્વતીજીએ હિન્દુ સમાજને સંગઠિત રહેવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં એકતા અનિવાર્ય છે. તેમણે બહેનોને સ્વરક્ષણ માટે સજ્જ બનવા અને પુરુષોને વ્યસનમુક્ત બની બાળકોમાં રાષ્ટ્રભાવનાનું સિંચન કરવા અપીલ કરી હતી. દામજી ભગતે પણ ધારદાર સંદેશ આપતા દરેક હિન્દુને જાગૃત બનવા જણાવ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણે સંમેલનના હેતુ અને પંચ પરિવર્તન વિશે વિસ્તૃત વાત કરી હતી. નાનકડી બાળા ક્રિશા કામરીયાએ ભારતના ગૌરવશાળી ઇતિહાસ વિશે વક્તવ્ય આપ્યું હતું.સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામાજિક સંદેશ:હડમતિયા સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક રાસ અને તલવાર રાસની રમઝટ બોલાવવામાં આવી હતી. ગાંધી વિદ્યાલયના બાળકોએ 'મોબાઈલે તો દાટ વાળ્યો' નાટક દ્વારા સોશિયલ મીડિયાના દૂષણો સામે સમાજને જાગૃત કરી મોબાઈલનો સદુપયોગ સમજાવ્યો હતો.બાઈક રેલી અને બ્લડ ડોનેશન કેમ્પ:સંમેલનના દિવસે દસે-દસ ગામોમાં ભવ્ય બાઈક રેલી નીકળી હતી. આ પ્રસંગે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાતાઓ દ્વારા 90 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.સફળ આયોજન:સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભગીરથસિંહ ઝાલાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. કાર્યક્રમના અંતે નકલંક ધામ-હડમતિયાના મેહુલદાસજીએ તમામ મહેમાનો અને જનમેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો. સંમેલનની પૂર્ણાહુતિ બાદ આશરે 4000થી વધુ લોકોએ સાથે મળીને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવા તમામ 10 ગામના લોકોએ સહિયારી જહેમત ઉઠાવી હતી.#Tankara #Hadmatiya #HinduSammelan #Morbi #MorbiUpdate #Unity #Nationalism #Culture #BloodDonation #TankaraNews #Sammelan2026