ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામના એક સામાન્ય શ્રમિક પરિવારના વિદ્યાર્થીએ CBSE બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના પરિણામોમાં ઝળહળતી સફળતા મેળવીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. લજાઈ ગામના દિનેશભાઈ મકવાણાના પુત્ર રોનક મકવાણાએ CBSE બોર્ડની ધોરણ 12 (કોમર્સ)ની પરીક્ષામાં 88.80% માર્ક્સ મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગર ખાતે અભ્યાસ કરતા રોનક મકવાણાએ શાળા કક્ષાએ પણ ત્રીજો ક્રમ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. રોનકનું શૈક્ષણિક પ્રદર્શન શરૂઆતથી જ ખૂબ જ પ્રશંસનીય રહ્યું છે. તેણે KG થી ધોરણ 5 સુધી સ્થાનિક કક્ષાએ સતત પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ ધોરણ 5 માં જવાહર નવોદય વિદ્યાલયની કઠિન પ્રવેશ પરીક્ષા પાસ કરીને સુરેન્દ્રનગર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો. રોનકની શૈક્ષણિક સફર પર એક નજર:• ધોરણ 10 (CBSE): 78.33%• ધોરણ 11: 80.80%• ધોરણ 12 (કોમર્સ - CBSE): 88.80%માતા-પિતાનો સંઘર્ષ અને દાદાની પ્રેરણા બની આધાર સ્તંભરોનકની આ ભવ્ય સફળતા પાછળ તેની સખત મહેનતની સાથે તેના દાદાના અવિરત માર્ગદર્શન, સહયોગ અને આશીર્વાદનો મોટો ફાળો રહ્યો છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં અને સંઘર્ષભરી જીવનશૈલી વચ્ચે પણ તેની માતા ઘરકામની સાથે સીવણ કામ કરીને પરિવારને આર્થિક સહારો પૂરો પાડે છે, જ્યારે પિતા મજૂરી કામ કરીને દીકરાના ઉચ્ચ શિક્ષણ માટે સતત દિવસ-રાત પરિશ્રમ કરે છે. માતા-પિતાના આ ત્યાગ અને પરિશ્રમને રોનકે એળે જવા દીધો નથી અને શ્રેષ્ઠ પરિણામ મેળવીને માતા-પિતાની મહેનતને સાર્થક કરી બતાવી છે.રોનક મકવાણાની આ અસાધારણ સિદ્ધિ બદલ તેના પરિવારજનો, નવોદય વિદ્યાલયના શિક્ષકો, મિત્રો તેમજ લજાઈ ગામના ગ્રામજનોમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. સોશિયલ મીડિયા અને રૂબરૂ મળીને રોનક પર અભિનંદન વર્ષા થઈ રહી છે.#Morbi #Tankara #Lajai #CBSE #Class12Result #NavodayaVidyalaya #Inspirational #MorbiUpdates