મોરબી: સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અર્થે મોરબીમાં 'સંસ્કૃત ભારતી' મોરબી દ્વારા જિલ્લા કક્ષાનું સંસ્કૃત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સંસ્કૃત ભાષાની અલગ-અલગ 15 કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી .જે સંપૂર્ણપણે સંસ્કૃત ભાષામાં રજૂ કરવામાં આવી હતી. આ તકે સંસ્કૃત ભારતીના સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ડોક્ટર પંકજભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંસ્કૃત ભાષાનો વ્યાપ વધારવા માટે વક્તવ્ય આપ્યું હતું. અતિથિ તરીકે વિપુલભાઈ શુક્લ ઉપરોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સંસ્કૃત ભાષાના પ્રસાર અને પ્રચાર માટે આહવાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સંયોજક કિશોરભાઈ શુક્લ અને સહ સંયોજક મયુરભાઈ શુક્લ તેમજ સંસ્કૃત ભારતી મોરબીના જનપદના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે કાર્યકારિણીની ઘોષણા અંગે ગોષ્ઠિ યોજાઇ હતી. આ કાર્યક્રમ મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં તેમજ ડિજિટલ માધ્યમથી ઓનલાઇન યોજાયો હતો.