રાજસ્થાનથી પાવડરની આડમાં બિયર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ, 33.45 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડમોરબી : મોરબી - માળીયા હાઇવે ઉપરથી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રાજસ્થાનથી માટીની આડમાં લઈ આવવામાં આવેલ બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ રાજસ્થાની ટ્રક ચાલકની ધરપકડ કરી બિયર મંગાવનાર શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી છે. હાલમાં પોલીસે બિયરના 2256 ટીન અને ટ્રક સહિત 33.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે મોરબી - માળીયા હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસેથી આરજે - 14 - જીએચ - 2137 નંબરના ટ્રકને ઝડપી લઈ ટ્રકની તલાશી લેતા આરોપી ટીકારામ પોખરમલ વર્મા રહે.ખંડેલા, શિખર, રાજસ્થાન વાળાના કબજા વાળી ટ્રકમાં પાવડરની આડમાં છુપાવવામાં આવેલ બિયરના 2256 ટીન કિંમત રૂપિયા 2,82,000 મળી આવતા પોલીસે 30 લાખનો ટ્રક તેમજ 58,166ની કિંમતની માટીના પાવડરની બોરીઓ સહિત 33,45,166નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપીની પૂછપરછમાં બિયરનો આ જથ્થો આરોપી રોહિત નામના શખ્સે મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુંન્હો રજીસ્ટર કરાવ્યો હતો.