શ્રમિક પરિવાર લગ્નમાં બહારગામ ગયો હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હળવદ : હળવદ તાલુકાન સરભંડા ગામે રહેતા શ્રમિક પરિવારના ઝુંપડામાં આજે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં ઘરવખરી ભસ્મીભૂત થઈ ગઈ હતી.જો કે શ્રમિક પરિવાર લગ્નમાં બહારગામ ગયો હોવાથી સદભાગ્યે જાનહાની ટળી હતી.પરંતુ ઘરવખરી બળી જવાથી સામાન્ય પરિવાર મોટી આફતમાં મુકાઈ ગયો છે. આ આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના સરભંડા ગામની બાજુમાં તળાવના કાંઠે ઝુંપડા બાંધીને રહેતા સવજીભાઈ ગણેશભાઈ કોળી નામના શ્રમિકના ઝુંપડામાં આજે અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને થોડીવાર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ શ્રમિક પરિવારનું ઝૂંપડું આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું અને ઝૂંપડું ભડભડ સળગવા લાગતા ઝુંપડામાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, આ બનાવની જાણ થતાં ગ્રામજનોએ જે હાથ લાગ્યું તે વાસણમાં પાણી લઈને મહામહનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જેથી આગ અન્યત્ર પ્રસરતા અટકી હતી. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ આ શ્રમિક પરિવાર લગ્નમાં બહાર ગામ ગયો હોવાથી જાનહાની સહેજમાં ટળી હતી.પરંતુ આગમાં તમામ વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી તેમજ મરણમૂડી સમાન બચાવીને રખેલા 13 હજાર રૂપિયા પણ બળી જતા શ્રમિક પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. જો કે આ આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.