મહિલાઓએ કુલેર, નાળિયેર અને મીઠું ચડાવી માતાજીની આરાધના કરી: માનતા પૂરી કરવા નેણ અને આંખ અર્પણ કર્યામોરબી અપડેટ : પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠ પછી આવતા શીતળા સાતમના તહેવારનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. આજે શીતળા સાતમના પવિત્ર દિવસે મોરબીના દરબારગઢ પાસે આવેલા ઐતિહાસિક શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ દર્શન કરવા માટે મહિલાઓની ભારે ભીડ ઉમટી પડી છે.શીતળા સાતમના દિવસે મહિલાઓ પોતાના પરિવાર અને ખાસ કરીને સંતાનોની સુખાકારી, નિરોગી સ્વાસ્થ્ય તેમજ દીર્ઘાયુ માટે માતાજીને પ્રાર્થના કરે છે. આજના દિવસે મંદિરમાં દર્શનાર્થે આવતી મહિલાઓ પરંપરાગત રીતે માતાજીને કુલેર, નાળિયેર અને મીઠું ચડાવીને વિશેષ પૂજા-અર્ચના કરી રહી છે. રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ભોજન આજે માતાજીને પ્રસાદ રૂપે ધરાવવામાં આવે છે.વિશેષમાં, જે મહિલાઓએ પોતાના પરિવારના સભ્યો માટે કોઈ બાધા કે માનતા રાખી હોય, તેઓ પોતાની માનતા પૂરી થવા પર માતાજીના ચરણોમાં ચાંદીના નેણ અને આંખ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી રહી છે. મંદિરમાં દર્શન માટે વહેલી સવારથી જ મહિલાઓની લાંબી કતારો લાગી છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.વર્ષોથી અહીં દર્શનાર્થે આવતી મહિલાઓએ જણાવ્યું હતું કે, આ મંદિર સાથે લોકોની અતૂટ આસ્થા જોડાયેલી છે. જે મહિલાઓએ પોતાના બાળકો માટે કોઈ બાધા કે માનતા રાખી હોય (જેમ કે ઓરી, અછબડા કે અન્ય બીમારીઓ), તેઓ પોતાની માનતા પૂરી થવા પર માતાજીના ચરણોમાં ચાંદીની આંખ અને અન્ય ભેટ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.મંદિરના દર્શનાર્થી અને વર્ષોના અનુભવી એવા એક ભક્ત બહેને માતાજીના ચમત્કારનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, રાજકોટના એક પરિવારની બાળકીની આંખની રોશની જતી રહી હતી. અનેક ડોક્ટરોની સારવાર અને બે મહિનાની દવાથી કોઈ ફરક ન પડતાં પરિવારે શીતળા માતાજીની આંખ અર્પણ કરવાની માનતા રાખી હતી. માનતા રાખ્યા બાદ બાળકીને ચમત્કારિક રીતે ફરી દેખાવા લાગ્યું હતું અને પરિવારે રાત્રે 12 વાગ્યે દવાખાનેથી સીધા મંદિરે આવીને પોતાની માનતા પૂરી કરી હતી. આવા અનેક પરચાઓને કારણે આ મંદિરનું મહત્વ વધુ છે.શીતળા સાતમના દિવસે મંદિરે દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. લોકોમાં માતાજી પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિનો માહોલ છવાયો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #ShitlaSatam #Darbargadh #ShitlaMatajiTemple #ShravanMaas #Miracle