મોડીરાત્રે બે વાગ્યે બનેલ બનાવમાં એક શ્રમિક દાઝ્યાની ચર્ચા, આગ કાબુમાં મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓપવેલ સિરામિક ફેકટરીમાં સોમવારે મોડીરાત્રે એલપીજી ગેસ લિકેજને કારણે આગ ભભૂકતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી. જો કે આ આગને કારણે સિરામિક કંપનીમાં વ્યાપક નુકશાન થયું હોવાનું અને એક શ્રમિક દાઝયો હોવાની પણ ચર્ચા છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર સોરિસો ચોકડી નજીક આવેલ ઓપવેલ સિરામિક ફેકટરીમાં સોમવારે મોડીરાત્રે લગભગ પોણા બે વાગ્યાના અરસામાં એલપીજી ગેસ સિલિન્ડરની લાઈનમાં લીકેજ થતા પળવારમાં આગ વિકરાળ બનતા અહીંથી પસાર થતા નાગરિક દ્વારા મોરબી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડ દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. દરમિયાન એવી વિગતો પણ બહાર આવી છે કે આ ઓપવેલ સીરામી ફેકટરીમાં 450 કિલોગ્રામ કેપેસિટીના એલપીજી ગેસ સિલિન્ડરનો વપરાશ કરવામાં આવતો હતો અને એ ગેસ સિલિન્ડરમાંથી જતી લાઈનમાં લીકેજ કે અન્ય કોઈ કારણોસર આગ ભભૂકી હોવાનું હાલમાં મનાઈ રહ્યું છે. આગની આ ઘટનામાં એક શ્રમિક દાઝયો હોવાનું પણ બિન સત્તાવાર સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે નેચરલ ગેસ સિવાય અન્ય ગેસ વપરાશ માટે નાગપુરની પેટ્રોલિયમ એન્ડ એક્સપલોઝીવ રેગ્યુલેટરી ઓથોરિટીની મંજૂરી ફરજિયાત હોય છે પરંતુ જો કોઈ સીરામીક ફેકટરી ગેસના સિલિન્ડર વપરાશ કરતા હોય તો આવી મંજુરીને બદલે પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવી ફરજિયાત હોય છે ત્યારે આ કિસ્સામાં જીપીસીબીની મંજૂરી છે કે કેમ તે અંગે પણ તપાસના ધમધમાટ શરૂ થયો હોવાનું જાણવા મળે છે.