નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે 24 જાન્યુઆરી એ જ કેમ? જાણો કારણ..મોરબી : ભારતમાં પ્રતિ વર્ષ તા. 24 જાન્યુઆરી એ રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરુઆત વર્ષ 2008થી કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પહેલીવાર 24 જાન્યુઆરી, 2008માં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનું યોગદાન પુરુષો જેટલું જ મહત્વનું છે ત્યારે દીકરીઓ પાસે પણ નિર્ણય લેવાનો અધિકાર હોવો જોઈએ. દીકરીઓનું ભવિષ્ય ઉજ્જ્વળ બને તે માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તર પર દીકરીઓના વિકાસને એક અભિયાન રૂપે સ્વીકારીને દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ 'રાષ્ટ્રીય બાલિકા દિવસ' ભારતભરમાં ઉજવવામાં આવે છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ થયેલા આ અભિયાનનો ઉદ્દેશ દીકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવી દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે.રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દીકરીઓના મહત્વને દર્શાવવા, બેટી બચાવો, બેટી પઢાઓ ઝૂંબેશ, યોગ્ય જાતિ ગુણોત્તર, સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવવા, મહિલાઓને શિક્ષણ, રોજગાર, વહીવટી પ્રક્રિયાઓમાં ભાગીદાર બનાવવા, રાજકીય ક્ષેત્ર સાથે જોડવા જેવા હેતુઓ સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરી સમાજના નાગરિકોમાં દીકરીઓ પ્રત્યેની સંકુચિત માનસિકતામાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.24 જાન્યુઆરી ઉજવવાનું કારણઉલ્લેખનીય છે કે તા. 24 જાન્યુઆરીનો દિવસ પણ ખાસ છે કારણ કે વર્ષ 1996માં તા. 24 જાન્યુઆરીએ ઈન્દિરા ગાંધી દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા. આ દિવસે તેઓ દેશના પહેલા મહિલા હતા જે વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા. ભારતીય ઇતિહાસમાં એક ખાસ ઘટનાને ધ્યાનમાં રાખીને આ દિવસને નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.દરેક સ્ત્રી પ્રથમ એક દીકરી છે, દીકરીઓ આપણાં સમાજનું અને દેશનું ભવિષ્ય છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ પર પરિવારમાં દીકરી જન્મને વધાવી, દીકરીઓના સમ્માન અને સશક્તિકરણનો સંકલ્પ કરી 'દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ, સમાજની પ્રગતિનો માર્ગ અપનાવીએ.