મોરબી : નાગરિકતા સંશોધન બીલ બન્ને ગૃહમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરીની મહોર લાગી હતી અને નાગરિકતા સંશોધન બીલ કાયદો બન્યું હતું. જો કે ત્યાર બાદ કાયદા વિશે ફેલાયેલી અસમંજસની સ્થિતિને લઈને દેશમાં ઘણા પ્રાંતોમાં તેનો વિરોધ થયો હતો. જો કે સરકારના પ્રોપર પ્રયાસો અને સરળ રીતે કાયદાની સમજણ આપવામાં આવતા લોકો હવે આ કાયદાને સમર્થન આપવા માટે ખૂબ મોટા પ્રમાણમાં આગળ આવી રહ્યા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સ્વૈચ્છીક સંગઠનો દ્વારા આ કાયદાનું બહોળા પ્રમાણમાં સમર્થન કરવામાં આવી રહ્યું છે અને હવે જૂજ લોકોમાં બાકી રહી ગયેલી કાયદા અંગેની દુવિધા દૂર કરવા માટેના સ્તયું પ્રયાસો શરૂ થયા છે. આ સંદર્ભે મોરબીમાં 28 ડિસેમ્બરને શનિવારે એક મહારેલીનું આયોજન થયું છે. સ્વૈચ્છીક સંગઠનો, લગભગ 48થી વધુ જ્ઞાતિ સમુદાયો, વિવિધ વેપારી-ઔદ્યોગિક સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા 28 ડિસેમ્બરને શનિવારે સવારે 09:00 કલાકે શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ ખાતેથી બહોળી સંખ્યામાં લોકો આ રેલીમાં સામેલ થશે અને મોરબીના નગરદરવાજા ચોક ખાતે આ રેલીનું સમાપન થશે. આ મહા રેલી માટે ઘણા સમયથી મિટિંગોનો દૌર ચાલી રહ્યો છે. રેલી માટેની તડામાર તૈયારીને આખરી ઓપ અપાઈ ગયો છે. રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોવાથી જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિકને ખાસ અસર ન થાય એ માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારાઈ છે. મોરબી શહેર ઉપરાંત જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો કાયદાના સમર્થનમાં ઉમટી પડવાના છે ત્યારે નાગરિક સમિતિ તરફથી પણ લોકોને નાગરિકતા કાયદાના સમર્થનમાં યોજાનાર મહારેલીમાં ઉપસ્થિત રહી પોતાની લાગણી અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા જાહેર આમંત્રણ અપાયું છે.