મોરબી: મોરબી શહેરના પંચાસર રોડ સ્થિત રાજનગર વસ્તીમાં ગત શનિવારે એક ભવ્ય હિન્દૂ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 1700 જેટલા હિન્દૂ ભાઈ-બહેનો ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ધાર્મિક અને રાષ્ટ્રભાવનાના રંગે રંગાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જનમાનસમાં હિન્દુત્વની જાગૃતિ અને રાષ્ટ્રભક્તિને સુદ્રઢ કરવાનો રહ્યો હતો.આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે બગથળા નકલંક ધામના મહંત પૂજ્ય દામજી ભગતે હાજરી આપી હતી. તેમણે પોતાની પ્રભાવશાળી વાણીમાં સંસ્કૃતિના સંરક્ષણ અને રાષ્ટ્રીય એકતા પર ભાર મૂક્યો હતો. સાથે જ, વિજયભાઈ રાવલ દ્વારા RSS ના શતાબ્દી વર્ષ નિમિત્તે 'પંચ પરિવર્તન' વિષય અંતર્ગત સામાજિક સકારાત્મકતા લાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જીનિયસ એકેડમીના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. સમગ્ર આયોજનનું સંચાલન સુભાષભાઈ ઘેટીયાએ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં હિન્દૂ સંમેલન સમિતિ-પંચાસર રોડના કાર્યકરો અને સ્થાનિક સમાજે ભારે જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે આ સંમેલન સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ બન્યું હતું.