તમામ પુસ્તકો પર 40% ડિસ્કાઉન્ટ મળશે, શાળા-કોલેજોની લાઈબ્રેરી માટે વિશેષ સ્કીમ: કલેક્ટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓ ઉદ્ઘાટનમાં હાજર રહેશેમોરબી અપડેટ: મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પ્રેરિત અને 'સેવા-સંકલ્પ અભિયાન' અંતર્ગત મોરબીમાં એક ભવ્ય 'જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળો' યોજાવા જઈ રહ્યો છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટ (VRTI), માંડવી-કચ્છના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પુસ્તક મેળો આગામી 29 અને 30 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી ઉમા હોલ, રવાપર ચોકડી, કેપીટલ માર્કેટ પાસે, રવાપર રોડ ખાતે યોજાશે.વિદ્યાર્થીઓમાં વાંચન અભિરુચિ કેળવાય અને તેઓ મનગમતા પુસ્તકો નિહાળી ખરીદી શકે તે હેતુથી આયોજિત આ પુસ્તક મેળામાં શૈક્ષણિક, નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, બાળસાહિત્ય, આરોગ્ય, પ્રવાસન, મેનેજમેન્ટ, પ્રેરણાદાયી, ધાર્મિક તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી એવા તમામ પ્રકારના પુસ્તકો પર 40% જેટલું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.આ પુસ્તક મેળામાં ગ્રંથાલયો માટે એક વિશેષ યોજના રાખવામાં આવી છે. જેમાં કોઈપણ શાળા, કોલેજ કે સંસ્થાના ગ્રંથાલયો ઓછામાં ઓછી 5000 રૂપિયાની કિંમતના પુસ્તકો ખરીદશે તો 40% વળતર બાદ 3000 રૂપિયા ચૂકવવાના રહેશે, અને તે ઉપરાંત તેમને 2000 રૂપિયાની કિંમતના વિવેકગ્રામ પ્રકાશન, માંડવીના પુસ્તકો ભેટમાં આપવામાં આવશે.આ જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ઉદ્ઘાટન સમારંભ 29 સપ્ટેમ્બરના રોજ સવારે 10 કલાકે યોજાશે. જેમાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે, ડીડીઓ વિદ્યાસાગર, એસપી મુકેશ પટેલ, ડીઈઓ કમલેશ મોતા અને ડીપીઈઓ નમ્રતા મહેતા ખાસ ઉપસ્થિત રહેશે.આ પુસ્તક મેળાનો લાભ લેવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ નિલેશભાઈ કુંડારીયા, મંત્રી હર્ષદભાઈ કાવર અને VRTI ના ગોરધન પટેલ 'કવિ' દ્વારા તમામ શાળાઓ, સંસ્થાઓ અને પુસ્તકપ્રેમીઓને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ગોરધન પટેલ 'કવિ' (મો. 98252 43355) નો સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #BookFair #GyanYagnaPustakMelo #Reading #Education #RavaparRoad