રાયસંગપુરથી મયુરનગર સુધી કાર અને બાઈકની વિશાળ રેલી યોજાઈ, ગ્રામજનોએ શાલ ઓઢાડી સન્માન કર્યું નિવૃત્તિ બાદ પણ દેશસેવા અને યુવાનોને રોજગારી માટે માર્ગદર્શન આપવાનો સંકલ્પમોરબી અપડેટ (હળવદ) : મયુરનગર ગામનું ગૌરવ એવા અશ્વિનભાઈ દેવદાનભાઈ લોખીલ ભારતીય સેનામાં 18 વર્ષ સુધી માતૃભૂમિની રક્ષા કરી તારીખ 31/08/2026 ના રોજ નિવૃત્ત થયા છે. આજરોજ તેઓ પોતાના વતન મયુરનગર પરત ફરતા ગ્રામજનો, યુવાનો, મિત્રો અને વડીલો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમનું ભવ્ય શોભાયાત્રા સાથે સન્માન કરવામાં આવ્યું હતું.રાયસંગપુરથી મયુરનગર સુધી કાર અને બાઇકની ભવ્ય રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મયુરનગર ગામમાં પ્રવેશની સાથે જ બાળાઓએ કુમકુમ તિલક કરી આર્મી જવાનનું હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું. ગામમાં પ્રવેશ્યા બાદ અશ્વિનભાઈએ ગામના તમામ મંદિરોના દર્શન કરી મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ત્યારબાદ રામાપીરના મંદિરે તેમનો ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. અહીં તેમના પરિવારજનો, મિત્રમંડળ, સગા-સંબંધીઓ અને તમામ ગ્રામજનોએ શાલ આપીને તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.આ ગૌરવવંતા પ્રસંગે પોતાના વક્તવ્યમાં અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે, મારૂં નિવૃત્ત જીવન હજુ પણ દેશસેવા અને સમાજસેવા માટે સમર્પિત રહેશે. તેમણે સમાજના યુવાનોને નોકરી અને કારકિર્દી અંગે સારામાં સારી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાનો સંકલ્પ લીધો હતો. આ સન્માન કાર્યક્રમમાં સરપંચ ભાવેશભાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સવાભાઈ ડાંગર, રામામંડળના તમામ સભ્યો સહિત તમામ સગા-વાલા અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધિ મનુભાઈ પી હુમલે કરી હતી, જ્યારે વિડીયોગ્રાફી ભરતભાઈ ડાંગરે સંભાળી હતી. કાર્યક્રમના અંતે ઢોલના તાલે રેલી સ્વરૂપે તમામ લોકો તેમના ઘરે પહોંચ્યા હતા અને ચા-પાણી તથા નાસ્તો કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. વંદે માતરમ, ભારત માતા કી જય અને જય મુરલીધરના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.#MorbiUpdate #MayurNagar #IndianArmy #ArmyRetirement #ProudMoment #AhirSamaj #MorbiNews #GujaratNews #SaluteToSoldier #VandeMataram #BharatMataKiJai