મોરબીમાં પુસ્તકપ્રેમીઓ માટે અનેકવિધ વિષયોના પુસ્તકો પર મળી રહ્યું છે 40% ડિસ્કાઉન્ટ: શાળાઓ અને ગ્રંથાલયો માટે વિશેષ આકર્ષક યોજનામોરબી અપડેટ : સ્વર્નિભર શાળા સંચાલક મંડળ-મોરબી અને વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, માંડવી-કચ્છના સંયુક્ત ઉપક્રમે તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી-મોરબીના પ્રેરિત સેવા-સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીના રવાપર રોડ પર આવેલા ઉમા હોલ ખાતે ભવ્ય 'જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળા'નો શુભારંભ થયો છે. તારીખ 29 અને 30 સપ્ટેમ્બર 2026 એમ બે દિવસ ચાલનારા આ પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કલાપ્રેમીઓ પહોંચ્યા છે.મેળાના પ્રારંભે વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ માંડવી-કચ્છના ગોવર્ધન પટેલ (કવિ) એ જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા રાજ્યભરમાં ગ્રામોત્થાન અને શિક્ષણ ક્ષેત્રે કામ કરવામાં આવે છે અને મોરબીમાં આ 105મો પુસ્તક મેળો યોજાયો છે. આ મેળામાં ગુરુદત્ત, નવભારત, ડ્યુબૈન, પ્રવીણ પુસ્તક ભંડાર, નવયુગ સહિતના 18 જેટલા પ્રકાશકોના અંદાજે 4,000 જેટલા વિવિધ ટાઇટલના પુસ્તકો 60 ટેબલો પર પ્રદર્શિત કરવામાં આવ્યા છે. બાળ સાહિત્ય, મેનેજમેન્ટ, આરોગ્ય, નવલકથાઓ, નવલિકાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ધાર્મિક પુસ્તકો સહિતના તમામ પુસ્તકો પર ગ્રાહકોને ફ્લેટ 40% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. શાળા, મંડળ કે લાઈબ્રેરીઓ માટે વિશેષ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 5,000 રૂપિયાની ખરીદી પર 40% વળતર બાદ 3,000 રૂપિયા ચૂકવવાના રહેશે અને સાથે 2,000 રૂપિયાના વિવેકગ્રામ પ્રકાશન, માંડવીના પુસ્તકો ભેટ આપવામાં આવશે.સ્વર્નિભર શાળા સંચાલક મંડળ-મોરબીના આગેવાનોએ જણાવ્યું હતું કે, મોરબીના યુવાનો અને વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે અને પુસ્તકોનો મહત્તમ લાભ લે તે હેતુથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, એસ . પી. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા, RTO માંથી પ્રજાપતિ સાહેબ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ પુસ્તક મેળો સવારે 10:00 થી રાતના 8:00 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. આ મેળાને સફળ બનાવવા સંસ્થા એ ભારે જહેમત ઉઠાવી છે તેમજ હોલની સુવ્યવસ્થા હિરેનભાઈ દ્વારા કરાઈ છે ત્યારે મોરબીના તમામ વાંચનપ્રેમીઓ, શાળાઓ અને નાગરિકોને આ પુસ્તક મેળાનો મહત્તમ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #GnyanyagnaPustakMelo #BookFair #MorbiNews #ReadingCulture #GujaratNews