રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના માર્ગદર્શન હેઠળ તારીખ 6, 7 અને 8 ઓગસ્ટે વિવિધ કાર્યક્રમો યોજાયામોરબી: શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ સ્થિત શ્રી સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના માર્ગદર્શન હેઠળ તારીખ 6, 7 અને 8 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રિદિવસીય સંસ્કૃતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 'ભારતસ્ય પ્રતિષ્ઠે દ્વે સંસ્કૃતં સંસ્કૃતિસ્તથા' સૂક્તિને સાર્થક કરતા આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેવભાષા સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિના પ્રસાર-પ્રચાર કરવાનો હતો.ઉત્સવના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ઋષિકુમારો દ્વારા વૈદિક મંગલાચરણથી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યું હતું. વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. દીપકભાઈ મહેતાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન કરી કાર્યક્રમના હેતુ અંગે સૌને માહિતગાર કર્યા હતા. મોરબી ક્ષેત્રના વિદ્વાન સંસ્કૃતજ્ઞ નિખિલભાઈ પંડ્યાએ સંસ્કૃત ભાષાના મહત્વ પર રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું, જ્યારે અધ્યાપક નિકુંજભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર સભાનું સંચાલન અધ્યાપક નયનકુમાર વાળાંગર દ્વારા કરવામાં આવ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે સંસ્કૃતમય બની ગયું હતું.બપોરે 1:00 કલાકે મંત્રકંઠપાઠ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 10 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 11:00 કલાકે 'જયતુ સંસ્કૃતમ્ વદતુ સંસ્કૃતમ્'ના નારા સાથે શ્રીખોખરા હનુમાન હરિહર ધામમાં સમગ્ર વિદ્યાલય દ્વારા સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અક્ષરશ્લોકી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ વાતાવરણને શ્લોકમય અને સંસ્કૃતમય બનાવ્યું હતું.સંસ્કૃતોત્સવના બીજા દિવસે બપોરે 1:00 કલાકે વ્યાકરણશાસ્ત્ર શલાકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો વિષય વરદરાજાચાર્ય વિરચિત લઘુ સિદ્ધાંત કૌમુદી ગ્રંથના પંચસંધિ-પ્રકરણ પર આધારિત હતો, જેમાં 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ત્યારબાદ શ્લોકકંઠપાઠ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 23 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમનું પ્રસ્તુતિકરણ ખૂબ જ ઉત્તમ રહ્યું હતું.ત્રિદિવસીય સંસ્કૃતોત્સવના અંતિમ દિવસે સૌપ્રથમ સ્તોત્રકંઠપાઠ સ્પર્ધા યોજાઈ, જેમાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. બપોરે 3:00 કલાકે સંસ્કૃત મહોત્સવની સમાપન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને વૈદિક મંગલાચરણથી સભાનો મંગલ પ્રારંભ થયો.વિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ. દીપકભાઈ મહેતાએ સંસ્કૃત ભાષામાં પ્રાસંગિક ઉદ્બોધન અને મહાનુભાવોનું સ્વાગત પ્રવચન કર્યું. ત્યારબાદ વિદ્યાલયના ભૂતપૂર્વ અધ્યાપક અને વિદ્વાન સંસ્કૃતજ્ઞ જયદીપભાઈ ઠાકરે સંસ્કૃતનું મહત્વ અને વિદ્યાલયમાં આયોજિત સંસ્કૃત મહોત્સવનું ગૌરવભેર વર્ણન કરતા ઉદ્બોધન કર્યું. અંતે, અધ્યાપક નયનકુમાર વાળાંગર દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું. સમગ્ર સભાનું સંચાલન દેવભાષામાં માનદ અધ્યાપક નિકુંજભાઈ દવે દ્વારા મનોહર શૈલીથી કરવામાં આવ્યું હતું, જેણે સમગ્ર ઉત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.