30 વર્ષ બાદ સમગ્ર ગુજરાતમાંથી શિક્ષક મિત્રો મળ્યા: દિવંગત ગુરુજનો અને સહાધ્યાયીઓને શ્રદ્ધાંજલિ અર્પી મોરબીના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધીમોરબી અપડેટ : જીવનના જૂના સંસ્મરણોને વાસ્તવિક જીવનમાં ઢાળવાથી નવી ઉર્જાનો સંચાર થાય છે, આ ઉદ્દેશ્ય સાથે 4 ઓક્ટોબર, રવિવારના રોજ મોરબીની સ્ટેટ સમયની નામાંકિત હંટર ટ્રેનિંગ કોલેજ (PTC કોલેજ) ખાતે વર્ષ 1995-96 ની બેચના તાલીમાર્થીઓનું એક યાદગાર સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આજથી 30 વર્ષ પહેલાં આ કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે અભ્યાસ કરી ચૂકેલા તાલીમાર્થીઓ ફરી એકવાર અડીખમ ઉભેલી હંટર કોલેજના કેમ્પસમાં એકઠા થતાં જૂનો કોલેજકાળ ફરી જીવંત થયો હતો.આ સ્નેહમિલનમાં સમગ્ર ગુજરાતમાંથી 1995-96 ની બેચના તાલીમાર્થીઓ, જેઓ હાલ જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેઓ ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ છેલ્લા 30 વર્ષના સમયગાળામાં જે મિત્રો અને ગુરુજનો સ્વર્ગવાસ પામ્યા છે, તેઓને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વર્ષો બાદ મળેલા મિત્રોએ સ્નેહસભર વાતાવરણમાં કોલેજ કાળના જૂના સંસ્મરણો, સહાધ્યાયીઓ સાથેની મૈત્રી અને ગુરુજનોની પ્રેરણાદાયી વાતો વાગોળી હતી.હંટર કોલેજમાં વાતો અને વિચારોની ગોષ્ઠી બાદ તમામ મિત્રોએ મોરબીના ઐતિહાસિક સ્થળો અને સંભારણા સમાન શંકર આશ્રમ, પાડાપુલ, મયુર બ્રિજ, મણિમંદિર, રેલવે સ્ટેશન, ગ્રીન ચોક અને નગર દરવાજાની મુલાકાત લીધી હતી. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મિત્રો મોરબી શહેરનો વિકાસ જોઈને ગૌરવપૂર્ણ રીતે આનંદિત થયા હતા.અંતમાં સ્વરૂચી સમૂહભોજન લઈ તમામ મિત્રો મોરબીની અને મિત્રોની નવી યાદો સાથે પોતાના વતન તરફ રવાના થયા હતા. આ દૈદીપ્યમાન અને અદકેરા સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે 1995-96 બેચના મોરબીના સ્થાનિક તાલીમાર્થીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.#Morbi #MorbiNews #HunterTrainingCollege #PTC #Batch1995 #TeachersReunion #Snehmilan #MorbiUpdates