મોરબી અપડેટ : મોરબીની શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે તારીખ 13 ઓગસ્ટના રોજ ભવ્ય દેશભક્તિમય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ મોનિકાબેન માલવાણિયાના માર્ગદર્શન હેઠળ રેલીનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર મંજુલાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.રેલીનો પ્રારંભ ‘વંદે માતરમ’ ગીતના ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશભક્તિના ગીતો અને દેશભક્તિના ગગનભેદી નારા સાથે સવારે 8:30 કલાકે કોલેજ કેમ્પસથી રેલી પ્રસ્થાન થઈ હતી. રેલીનો માર્ગ GIDC રોડ – સરદાર બાગ – ઓમ શાંતિ વિદ્યાલય – સુપર માર્કેટ થઈને પરત કોલેજ કેમ્પસ ખાતે પૂર્ણ થયો હતો. રેલીમાં કોલેજના પ્રિન્સિપાલ, સમગ્ર સ્ટાફ, કોલેજની વિદ્યાર્થીનીઓ તથા NSS યુનિટની સ્વયંસેવિકાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર રેલી દરમિયાન તિરંગા સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.રેલીના અંતે રાષ્ટ્રગાનનું ગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રેલી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. પ્રજાજનોમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને, રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તથા આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાનું ‘આન, બાન અને શાન’ હંમેશા જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે આ ‘હર ઘર તિરંગા’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.