મોરબી: મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધર્મ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. 'જય મહાકાલ ગ્રુપ' અને 'સમસ્ત સતવારા સમાજ' દ્વારા સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા.શક્તિધામથી મોટેશ્વર મહાદેવ સુધી ગુંજ્યો ‘જય મહાકાલ’નો નાદઆ શોભાયાત્રાનો પ્રારંભ શક્તિધામ મંદિરથી કરવામાં આવ્યો હતો. મોરબીના રાજમાર્ગો પર ફરેલી આ યાત્રામાં શિવભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો હતો. યાત્રાનું સમાપન શક્તિનગર સ્થિત મોટેશ્વર મહાદેવ મંદિરે થયું હતું, જ્યાં તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.આકર્ષણના કેન્દ્રો: બરફના શિવલિંગ અને જીવંત ઝાંખીઓશોભાયાત્રામાં અનેક આકર્ષક ફ્લોટ્સ (રથ) તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બરફનું શિવલિંગ ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમજ સિદ્ધનાથ દાદાની પ્રતિમાને ભવ્ય શણગાર સાથેની દાદાની મૂર્તિના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા હતા. તેમજ બાળકો દ્વારા શિવ-પાર્વતી અને ગણેશજીના વેશ ધારણ કરી પ્રસ્તુત કરવામાં આવેલી જીવંત ઝાંખીઓએ લોકોના દિલ જીતી લીધા હતા.8 વર્ષથી અવિરત સેવા અને ભક્તિમહાકાલ ગ્રુપના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા 7 વર્ષથી અમે આ પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે 8મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ યાત્રામાં માત્ર સતવારા સમાજ જ નહીં, પણ તમામ હિન્દુ સંગઠનો અને સમગ્ર હિન્દુ સમાજ ખભેખભા મિલાવીને જોડાયો છે.' આ શોભાયાત્રામાં ટ્રેક્ટર, ખુલ્લી જીપ અને ગાડીઓના કાફલા સાથે યુવાનો ભગવા સાફા અને ખેસ ધારણ કરી શિવભક્તિમાં લીન જોવા મળ્યા હતા. સમગ્ર આયોજનથી મોરબીનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.