તમામ 11 તાજીયા નગર દરવાજા ચોકમાં એકત્રિત થયા : મોટી સંખ્યામાં લોકો જોડાયામોરબી : મુસ્લિમ સમાજના મોહરમ માસ નિમિતે શનિવારે તાજીયા પડમાં આવ્યા બાદ રવિવારે શહેરમાં ભવ્ય ઝુલુસ સાથે તમામ તાજીયા નગર દરવાજા ચોકમાં એકત્રિત થયા હતા. બાદ રાત્રે વિસર્જન કરવામાં આવશે. શહીદે કરબલાની યાદમાં મોરબીમાં લાગલગાટ બે મહિનાની મહેનત બાદ તૈયાર કરાયેલા કલાત્મક તાજીયા શહેરમાં ફર્યા બાદ કોમી એકલાશ સાથે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.મોરબી શહેરમાં મોહરમ માસ નિમિતે મુસ્લિમ બિરાદરો દ્વારા છેલ્લા દસ દિવસથી વિવિધ વિસ્તારમાં શબીલના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં શનિવારે તાજીયા પડમાં આવ્યા હતાં. અને મોરબી શહેરમાં મોચીશેરી , ભવાનીચોક, સરગીયા શેરી, સિપાઈ શેરી, મચ્છી પીઠ, નાની બજાર, કાલિકા પ્લોટ, ફૂલછાબ ચોક (વીસીપરા) અને જોન્સનગર, મકરાણીવાસ, મતવા ચોક સહિતના 11 વિસ્તારમાંથી તાજિયા નીકળ્યા હતા જે જુદા જુદા વિસ્તારમાં ફર્યા બાદ રવિવારે સાંજે નગર દરવાજા ચોકમાં એકત્રિત થયા હતા. બાદ ટાઢા થયા હતા અને મોડીરાત્રે તાજીયાનું વિસર્જન કરવામાં આવશે.શાંતિપૂર્ણ માહોલમાં તાજીયા યોજાઈ તે માટે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તાજીયા રૂટ ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.મહોરમ પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ઠેર ઠેર નાસ્તો અને કોલ્ડડ્રિંકસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને મોડીરાત્રે તાજીયા ઝુલુસનું વિધિવત રીતે વિસર્જન કરવામાં આવશે.