ટંકારા : જય જલયાણના ગગનભેદી નારા વચ્ચે ટંકારામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત જલારામ બાપાની 226મી જન્મજયંતી ઉત્સાહ અને શ્રદ્ધાભાવે ઉજવાશે. આ ભવ્ય ઉજવણીનું આયોજન શ્રી લોહાણા સમાજ ટંકારા અને શ્રી રઘુવંશી યુવક મંડળ ટંકારા દ્વારા કરવામાં આવ્યું છે.જલારામ બાપાની જન્મજયંતીનો મુખ્ય કાર્યક્રમ આવતીકાલે તારીખ 29 ઓક્ટોબર ને બુધવારના રોજ યોજાશે. ઉજવણીની શરૂઆત બપોરે 3-30 વાગ્યે શોભાયાત્રાથી થશે. આ શોભાયાત્રા શ્રી જલારામ મંદિર (ફુલીયા હનુમાનજી મંદિર) થી વાજતે ગાજતે નીકળશે અને રાબેતા મુજબના માર્ગ પરથી પસાર થશે. શોભાયાત્રા દરમિયાન ભક્તો “જય જલયાણ”ના નાદ સાથે જલારામ બાપાના ભક્તિગીતોમાં ઝૂમી ઉઠશે.આ પહેલા બપોરે 3 વાગ્યે અન્નકૂટ દર્શનનું આયોજન શ્રી જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું છે. સાંજે 7-30 વાગ્યે શ્રી મહર્ષિ દયાનંદ ચોક ખાતે મહાઆરતી યોજાશે, ત્યારબાદ સાંજે 8 વાગ્યે શ્રી લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદનું વિતરણ થશે. જન્મજયંતી શોભાયાત્રા દરમિયાન બાળકો માટે વેશભૂષા સ્પર્ધા પણ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને શ્રી રઘુવંશી યુવક મંડળ ટંકારા તરફથી આકર્ષક ભેટો આપવામાં આવશે. આ ભક્તિમય મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી પ્રસાદ ગ્રહણ કરી ધર્મલાભ લેવાની સૌને વિનંતી કરવામાં આવી છે. ભક્તોની ભારે ઉપસ્થિતિ સાથે આ કાર્યક્રમને યાદગાર બનાવવા આયોજકોએ અપીલ કરી છે.