મોરબી: લોહાણા સમાજની એકતા અને સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મોરબીના નવા ડેલા રોડ સ્થિત વિશાશ્રી વાડી ખાતે લોહાણા સમાજની તમામ સંસ્થાઓનું વિશાળ અને સુમેળભર્યું 'સ્નેહ મિલન કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી શહેર અને આસપાસના વિસ્તારોની લોહાણા સમાજની તમામ નામાંકિત સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સમાજસેવી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન દ્વારા લોહાણા મહાજન સંસ્થાને વધુ સશક્ત, સક્રિય અને વિકાસશીલ બનાવવાનો સંકલ્પ સર્વસંમતિથી લેવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન લોહાણા સમાજની સર્વોચ્ચ સંસ્થા એવી લોહાણા મહાજન સંસ્થાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજમાં એકતા અને પરસ્પર સહકાર વધુ મજબૂત બને તે માટે ગંભીર અને રચનાત્મક ચિંતન કરાયું હતું. યુવાનો, મહિલાઓ અને આગામી પેઢીને સંગઠન સાથે જોડીને સમાજને નવી દિશા કેવી રીતે આપી શકાય તે મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત સમાજના મોભીઓ અને શ્રેષ્ઠીઓએ શિક્ષણ, ઉદ્યોગ, વેપાર, સેવા અને સામાજિક ક્ષેત્રોમાં સમાજને આગળ વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન પૂર્વ મહાજન પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી અને વર્તમાન ટીમ દ્વારા સમાજની સર્વસંમતિથી નવા મહાજન મંડળની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સમાજના અનુભવી અને સેવાભાવી આગેવાન અશોકભાઈ કાથરાણીની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત, જમનભાઈ હિરાણીની ઉપપ્રમુખ અને પ્રફુલભાઈ પોપટની મહામંત્રી તરીકે નિમણૂક જાહેર થઈ હતી. તમામ ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે પૂર્વ મહાજન મંડળના પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, નીતિનભાઈ પોપટ, હરીશભાઈ રાજા અને તેમની સમગ્ર ટીમનું મોરબી લોહાણા સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પૂર્વ મહાજન ટીમે નવા મહાજન મંડળને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. સૌથી નોંધનીય બાબત એ રહી કે પૂર્વ મહાજન સાથે સંકળાયેલા 25 સભ્યોએ એકસૂરથી ટેકો જાહેર કર્યો હતો અને કાયદાકીય તેમજ સંવિધાનિક પ્રક્રિયા મુજબ તમામ કાર્યવાહી પૂર્ણ કરી નવા મહાજન મંડળની રચના માટે સહકાર આપવાની તૈયારી દર્શાવી હતી. આ એકતા અને સમર્પણ સમાજ માટે એક ઐતિહાસિક પગલું ગણાયું છે.સમગ્ર કાર્યક્રમ સ્નેહ, એકતા અને સમાજના સર્વાંગી વિકાસના ભાવ સાથે સંપન્ન થયો હતો. અંતે, ઉપસ્થિત તમામ આગેવાનો અને સભ્યોએ લોહાણા સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી અને 'એકતા માં શક્તિ' ના સૂત્ર સાથે સમાજને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.