ધોરણ 9 થી કોલેજ સુધીના 63 વિદ્યાર્થીઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયામોરબી અપડેટ : મોરબી સતવારા નવ ગામ જ્ઞાતિ દ્વારા વર્ષ 2026 માં ધોરણ 9 થી કોલેજ સુધીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવેલા કુલ 63 વિદ્યાર્થી ભાઈ-બહેનો અને દાતાઓનો સન્માન સમારંભ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થી પુરસ્કાર સમિતિ દ્વારા આગેવાનો અને દાતાઓનું રૂમાલ તથા ગુલાબ આપી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સીવણ ક્લાસની બહેનોએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે દેવજીભાઈ ચાવડાના પુસ્તક 'રામાયણ શતક અને ભજન તરીસા' નું વિમોચન ડો. લખમણભાઈ કંઝારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.સમાજના વિકાસ અને શિક્ષણ માટે ઉદાર હાથે દાન આપનાર દાતાઓનું આ પ્રસંગે બહુમાન કરવામાં આવ્યું હતું. કાલિકા પ્લોટમાં આવેલ સાર્વજનિક દવાખાના માટે સુશીલાબેન ધરમશીભાઈ પરમાર તરફથી 551000 રૂપિયા અને દમયંતીબેન નવઘણભાઈ હડિયલ તરફથી 505555 રૂપિયાનું માતબર અનુદાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એન. એન. કંઝારિયા, ભુદરભાઈ દેવજીભાઈ જાદવ, અરજણભાઈ નાનજીભાઈ જાદવ, લાલજીભાઈ પરસોત્તમભાઈ ડાભી, ચિરાગભાઈ રાજેશભાઈ ડાભી, પલકકુમાર લખમણભાઈ કંઝારિયા, ગોવિંદભાઈ માવજીભાઈ હડિયલ અને એડવોકેટ કરમસીભાઈ પરમાર દ્વારા 11000 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ. શિષ્યવૃતિ માટે અરજણભાઈ નાનજીભાઈ જાદવ (11000 રૂપિયા) અને વેનિશા ટીંકેશભાઈ જાદવ (5000 રૂપિયા) એ સહયોગ આપ્યો હતો.સન્માનિત 63 વિદ્યાર્થીઓને દાતાઓ તરફથી શિલ્ડ, પ્રમાણપત્ર, સર્ટિફાઇલ, ડિક્શનરી, સ્ટેપલર, જનરલ નોલેજના પુસ્તકો અને બોલપેન અર્પણ કરવામાં આવ્યા હતા. ટિન્કેશભાઈ દિનેશભાઈ જાદવ તરફથી સ્કૂલ બેગ, વિરેન્દ્રભાઈ શીવાભાઈ કંઝારિયા તરફથી રાઇટિંગ પેડ અને કરમશીભાઈ પરમાર તરફથી બોલપેન આપવામાં આવી હતી. આઈ.ટી.આઈ. માં અભ્યાસ કરતા 8 વિદ્યાર્થીઓને સ્વ. વિમલકુમાર એ. જાદવ શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. ગાયન ક્ષેત્રે વિશેષ સિદ્ધિ બદલ જિગ્નેશભાઈ કાનજીભાઈ જાદવનું શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ બાદ ભોજનના દાતા તરીકે એલ.ડી. હડિયલ રહ્યા હતા.કાર્યક્રમમાં ડો. લખમણભાઈ કંઝારિયાએ 21 મી સદીમાં શિક્ષણનું મહત્વ સમજાવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન આપ્યું હતું. દેવજીભાઈ ચાવડા અને એલ.ડી. હડિયલે શિક્ષણ સાથે સંસ્કારના સિંચન પર ભાર મૂક્યો હતો. પ્રતિભાવમાં વિદ્યાર્થીઓ રાજેશભાઈ કંઝારિયા, ભાવેશભાઈ હડિયલ, ઉર્મિલા પરમાર અને ગીતા પરમારે સન્માનથી મળતી પ્રેરણા અને શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી.આ સમારંભમાં રાઘવજીભાઈ કંઝારિયા, ગોવિંદભાઈ હડીયલ, ધનજીભાઈ ડાભી, હરીનભાઈ પરમાર, હરીભાઈ કંઝારિયા, કિરણબેન જાદવ, ભુદરભાઈ જાદવ, રાજુભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ચુનીલાલ પરમાર સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધીરજભાઈ પરમાર અને મહાદેવભાઈ ડાભીએ કર્યું હતું. અંતમાં જયેન્દ્રભાઈ કંઝારિયાએ આભારવિધિ કરી હતી અને સીવણ ક્લાસની બહેનોએ આકર્ષક તલવાર રાસ રજૂ કરી કાર્યક્રમનું શાનદાર સમાપન કર્યું હતું.#Morbi #MorbiNews #MorbiUpdate #SatwaraSamaj #EducationAward #Felicitation #MorbiCommunity #StudentMotivation