યુવાનોને ડ્રગ્સના દૂષણથી બચાવવા અમદાવાદથી નીકળેલી બાઈક રેલીનું મોરબીમાં આગમન: 8 શાળાઓના 1500 થી વધુ વિદ્યાર્થીઓને કરાયા જાગૃતમોરબી : દેશના યુવાધનને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના દૂષણથી બચાવવા માટે 'નો ડ્રગ્સ કેમ્પેઇન' અંતર્ગત એક વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદથી શરૂ થયેલી આ રેલીનું મોરબીમાં આગમન થયું હતું, જ્યાં મોરબી પોલીસ અને સ્થાનિક રાઈડર્સ દ્વારા બાઈકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ફરીને યુવાનોને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે.આ પ્રસંગે મોરબી પોલીસ અધિકારી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવા રાઈડર્સની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને બરબાદ ન થાય તે માટે આ એક ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયી પ્રયાસ છે. આ સાથે જ તેમણે મોરબી સહિત સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરી હતી કે જો કોઈ જગ્યાએ ડ્રગ્સના દૂષણ, વેચાણ કે ઉપયોગ અંગેની માહિતી મળે તો પોલીસને ગુપ્ત રાહે જાણ કરવી, જેથી માહિતી આપનારની ઓળખ છૂપી રાખી કડક કાર્યવાહી કરી શકાય. મોરબી પોલીસ અને એસઓજીની ટીમ ડ્રગ્સના નેટવર્કને નાબૂદ કરવા સતત કાર્યરત છે.બાઈક રેલીના સભ્ય જયપાલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, આ કેમ્પેઈનમાં 10 રાઈડર્સ સહિત કુલ 35 લોકોની ટીમ કાર્યરત છે. અમદાવાદથી શરૂ થયેલી આ બાઈક રાઈડ અંતર્ગત સૌરાષ્ટ્રના 11 શહેરોના 300 થી 350 જેટલા કેમ્પસ કવર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. છેલ્લા 4 વર્ષથી આ અભિયાન સક્રિય રીતે ચલાવવામાં આવી રહ્યું છે. રેલી દરમિયાન સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી શાળાઓ અને કોલેજોમાં સેમિનાર યોજીને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવે છે અને સાંજે જે-તે શહેરમાં સિટી રાઈડ યોજી લોકો સુધી મેસેજ પહોંચાડવામાં આવે છે. આ ટીમ સુરેન્દ્રનગરની મુલાકાત પૂર્ણ કરી મોરબી આવી પહોંચી છે અને અહીંથી રાજકોટ તરફ પ્રયાણ કરશે.અભિયાનના અન્ય સભ્ય સુરપાલસિંહ રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2024 માં પણ 1100 કિલોમીટરની રાઈડ કરવામાં આવી હતી. આ વર્ષે પણ અંદાજે 1100 કિલોમીટરનો પ્રવાસ ખેડીને સૌરાષ્ટ્રના 11 શહેરો કવર કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, બોટાદ અને ભાવનગર જેવા મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે. મોરબીમાં ટીમ દ્વારા 8 જેટલી શાળાઓની મુલાકાત લઈને 1500 થી વધુ બાળકોને ડ્રગ્સ અવેરનેસ અંગે સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #NoDrugsCampaign #BikeRally #DrugAwareness #MorbiPolice #SayNoToDrugs #NashaMuktBharat