મહિલાઓ માટે, મહિલાઓ દ્વારા જ ચલાવાતા ગ્રુપ દ્વારા મહિલાઓએ ઘેર બનાવેલી ચીજ વસ્તુઓનું અનોખું એક્ઝિબિશન કમ વેંચાણ થશે મોરબી : કહેવાય છે કે પુરુષો એક સમયે માત્ર એ કે બે કામો જ કરી શકે છે. જ્યારે મહિલાઓ વિવિધ મોરચે એક સાથે કામગીરીના સંદર્ભે લડી શકે છે. પુરુષો નોકરી ધંધાની સાથે વધુમાં વધુ શાક બકાલુ લાવવાનું કામ કરી શકે. પણ મહિલાઓ ઘર, પરિવાર, બાળકો, વડીલોની સાર સંભાળ રાખવાની સાથે નોકરી, ધંધો પણ કરી શકે અને ઘરના બધાને બધી જ રીતે સમયસર સાંચવી પણ શકે છે. બાળકોને સંસ્કારગત વારસો આપવાનું કાર્ય મહિલાઓ જ કરી શકે. વૃદ્ધ સાસુ સસરાની સેવા ચાકરી કરતી મહિલા પતિના જમવાનો સમય પણ સાંચવી શકે. અને વ્યવહારના કામોમાં પણ અગ્રેસર રહે. આવી નારી શક્તિ દ્વારા મોરબીના રવાપર વિસ્તારની સોસાયટીની બહેનોએ એક ગ્રુપ બનાવ્યું છે. નામ છે એનું જાગૃત મહિલા ગ્રુપ. આ ગ્રુપ માત્ર બે વરસ પહેલાં સામાજિક કાર્યકર સતિષભાઈ કાનાબારના માર્ગદર્શન હેઠળ શરૂ થયું. આ ગ્રુપમાં હાલ 450 થી વધુ મહિલાઓ છે. જે વોટ્સએપના માધ્યમથી જોડાયેલી છે. બે વરસ પહેલાં હોળી ધુળેટીના તહેવારોને અનુલક્ષીને, એ સમયે ચાલીસેક મહિલાઓએ મોરબીના જાહેર રસ્તાઓ પર રંગ ન ઉડાડવાની એક ઝુંબેશ ઉપાડી હતી. જે સમય જતાં એવો રંગ લાવી કે ગત ધુળેટી દરમ્યાન મોરબીમાં જાહેર રસ્તા પર રંગ ઉડાડવાનું સાવ બંધ થઈ ગયું. આ માટે આ ગ્રુપે તંત્રને ખૂબ ભાર પૂર્વક રજૂઆતો કરેલી. જેનું ધાર્યું પરિણામ આવ્યું હતું. આવી પરિણામલક્ષી કામગીરી બાદ મહિલાઓનો જોમ-જુસ્સો બુલંદ બન્યો. અને ધીમે ધીમે ગ્રુપ વિસ્તરતું ગયું. આ જાગૃત મહિલા ગ્રુપ દ્વારા આવતી તારીખ 26 મેને રવિવારના રોજ નીલકંઠ વિદ્યાલયમાં સવારે 10 થી સાંજે 07:30 કલાક સુધી એક વુમન બિઝનેસ મેળાનું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવ્યું છે. મેળા વિશે મોરબી અપડેટને માહિતી આપતા જાગૃત મહિલા ગ્રુપના નિધાબેન સબાપરા તથા શ્વેતાબેન પેથાપરાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 35 જેટલી એન્ટ્રી આવી ચૂકી છે. આ મેળામાં મહિલાઓ દ્વારા ઘેર બેસીને બનાવાતી તમામ ચીજ વસ્તુઓ જેવી કે અથાણાં, પાપડ, ફરસાણ, ભરતગૂંથણની ચીજ વસ્તુઓ, દરેક પ્રકારની હેંડીક્રાફ્ટની ચીજ વસ્તુઓ પ્રદર્શન તેમજ વેંચાણ અર્થે મુકવામાં આવનાર છે. આ મેળો માત્રને માત્ર મહિલાઓ માટે જ છે આથી આમાં પુરુષોને પ્રવેશ નથી. ખાસ બાબત એ છે કે ઘણી મહિલાઓ ઘેર બેસીને ગૃહકાર્ય કરતા કરતા ગૃહ ઉધોગ પણ ચલાવતી હોય છે. પણ મોટે ભાગે એમની ચીજ વસ્તુના પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે આ મેળામાં એમના કાર્યની યોગ્ય કદર તો થશે જ સાથો સાથ મહેનતના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ પણ મળી રહેશે. આર્થિક રીતે મહિલાઓને પગભર થવામાં આ વુમન બિઝનેસ મેળો એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડશે. ઘણી મહિલાઓ ઘરમાં પોતાનો આર્થિક સહયોગ આપવા ઘર ઘરાઉ કાર્ય કરે છે. પણ એમને આગળ આવવા માટે કે ઓપન માર્કેટનો હિસ્સો બનવા માટે યોગ્ય માર્ગદર્શન મળતું હોતું નથી. ઘણી મહિલાઓ પોતે જાતે બનાવેલા અથાણાં, પાપડ કે ફરસાણ બહાર વેંચવા જવા માટે સક્ષમ નથી હોતી કે ક્યારેક શરમ અનુભવતી હોય છે. ત્યારે આવી તમામ મહિલાઓને જાગૃત મહિલા ગ્રુપ એક પ્લેટફાર્મ પૂરું પાડવા આગળ આવી છે. ત્યારે વધુને વધુ મહિલાઓ આ વુમન બિઝનેસ મેલાનો હિસ્સો બને એવી લાગણી નિધાબેન અને શ્વેતાબેને વ્યક્ત કરી છે. આવનારા સમયમાં આ ગ્રુપ એમના કાર્યક્ષેત્રને વધુ વિશાળ બનાવવા જઇ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં મોરબી શહેરને ગ્રીન સિટી, ક્લીન સિટી બનાવવાની એમની પ્રબળ ઈચ્છા છે.