અન્નકૂટ પ્રસંગે 20 હજાર ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા, રાત્રે સંતવાણીનું પણ આયોજનમોરબી : મોરબી તાલુકાના સુપ્રસિદ્ધ શ્રી નકલંકધામ બગથળા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બેસતા વર્ષે ભવ્યાતિભવ્ય અન્નકૂટ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 22 ઓક્ટોબર ને બુધવારના રોજ નકલંકધામ બગથળા ખાતે નકલંક દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવશે. સથે ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ 22 ઓક્ટોબરે રાત્રે મંદિરના પટાંગણમાં સંતવાણીનું પણ આયોજન કરાયું છે.સમગ્ર આયોજન અંગે નકલંકધામ બગથળાના મહંત દામજી ભગતે જણાવ્યું હતું કે, છેલ્લા 206 વર્ષથી પરંપરા પ્રમાણે દર વર્ષે નવા વર્ષના દિવસે નકલંક દાદાને ભવ્ય અન્નકૂટ ધરવામાં આવે છે. આપણા ડિસ્ચાર્જ થઈ ગયેલા જીવનને ચાર્જ કરવા માટે અન્નકૂટનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે પણ સમગ્ર ટ્રસ્ટી મંડળ અને બગથળા ગામ દ્વારા અન્નકૂટની તૈયારીઓ કરી દેવામાં આવી છે. નવા વર્ષે 20 હજાર જેટલા ભક્તો મહાપ્રસાદ લઈ શકે તે માટેની પણ વ્યવસ્થા કરાઈ છે. આ કાર્યમાં બગથળા સહિત આસપાસના 150 ગામના લોકો જોડાશે. તો નવા વર્ષે સૌને અન્નકૂટ આરતી, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ અને સંતવાણીનો લ્હાવો લેવા ટ્રસ્ટીમંડળ, સંતગણ અને બગથળા ગામ સમસ્ત દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.