ગાંધીચોકમાં આવેલી પંચેશ્વરી મેલડી માતાજીની ગરબીમાં 40 વર્ષથી પુરુષો જ રાસ ગરબે રમીને કરે છે માતાજીની આરાધના મોરબી : મોરબીમાં હાલ નવરાત્રી મહોત્સવ દરેક શેરીએ ગલીએ યોજાતી પ્રાચીન ગરબી ભારે જમાવટ કરી રહી છે. દરેક પ્રાચીન ગરબીમાં બાળાઓ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહી છે. પણ મોરબી શહેરની એવી એક પ્રાચીમ ગરબીમાં માત્ર પુરુષો જ રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. એ પણ વર્ષો જૂની પ્રાચીન ઢબે રાસ ગરબે રમે છે. મોરબી શહેરમાં વિકાસની દોટ વચ્ચે પ્રાચીન પરંપરા ઉજાગર કરતી આ અનોખી ગરબી શહેરની વચ્ચોવચ મુખ્ય હાર્દ સમાં વિસ્તારમાં આવેલી છે. છેલ્લા 40 વર્ષથી ગાંધીચોકમાં આવેલ પંચેશ્વરી મેલડી માતાજીના મંદિરે આ મેલડી માતાજીના મંદિરના ગ્રુપ એટલે માત્ર પુરુષ સભ્યો દ્વારા સંપ સાથ સહકારથી પ્રાચીન ગરબી ચાલી રહી છે. આજે પણ માત્ર પુરુષો જ રાસ ગરબે રમે છે. એ પણ પ્રાચીન પરંપરા મુજબ. ઢોલ તબલા અને મજીરાના સહારે જાતે જ માતાજીના દુહા છંદ ગાયને માતાજીની ભક્તિ કરે છે. માત્ર પુરુષો ગરબી ચલાવે અને જાતે રમે એ ગરીબીની ખાસિયત છે. એની પાછળનું કારણ એ છે આજે જે પુરુષો રમે છે તેમના અગાઉના લોકોએ 40 વર્ષ પહેલાં આ ગરબીની સ્થાપના કરીને જાત જ ગરબે રમતા ત્યારથી આજ સુધી આ પરંપરા જળવાઈ રહી છે.