રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાકર અને સાઈટ ઇજનેરને બનાવ સ્થળે દોડાવાયામોરબી : મોરબી - કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી ઉપર કરોડોના ખર્ચે નિર્માણ થયેલા નવા નકોર પુલમાં ગાબડાં પડતા ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, બીજી તરફ રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવની ગંભીરતા ધ્યાને લઈ સાઈટ ઈજનેર અને જવાબદાર કોન્ટ્રાક્ટરને બનાવ સ્થળે દોડાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી -કંડલા બાયપાસ ઉપર જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ નદી ઉપર કરોડોના ખર્ચે તાજેતરમાં જ નિર્માણ થયેલ નવા નકોર પુલમાં વચ્ચોવચ મસમોટું ગાબડું પડતા પુલના સળિયા દેખાવા લાગ્યા છે અને જો કોઈ વાહન આ ગાબડાં ઉપરથી પસાર થાય તો ઝૂલતા પુલ જેવો ગંભીર બનાવ બનવાની શક્યતા જોતા જાગૃત નાગરિકો દ્વારા હાલમાં આ ગાબડાં ફરતે વાહન ચાલકોનું ધ્યાન જાય તે માટે સફેદ કલરના નિશાન કરવાની સાથે ઝંડીઓ પણ ખોડી દેવામાં આવે છે.બીજી તરફ સતત ટ્રાફિકથી ધમધમતા મોરબી - કંડલા બાયપાસ ઉપર નવા નકોર પુલમાં વચ્ચોવચ જ ગાબડું પડવાની સાથે પુલના સળિયા દેખાઈ જતા પુલ નિર્માણમાં ભ્રષ્ટાચાર સાથે કોન્ટ્રાકટર ધ્વરા લોટ પાણીને લાકડા જેવી નીતિ અખત્યાર કર્યાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. દરમિયાન રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે.એન.ઝાલાને પુલમાં ગાબડાં પડવાની ઘટના અંગે પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે જવાબદાર કોન્ટ્રાકટર અને સાઈટ ઇજનેરને બનાવ સ્થળે તપાસ માટે દોડાવવામાં આવ્યા છે અને સ્થળ તપાસ બાદ જ સાચી હકીકત સામે આવે તેમ હોવાનું જણાવ્યું હતું.