પાંચ મહિલા સહિત સાત જુગારી ઝડપાઇ ગયા મોરબી : મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ મંગલજ્યોત એપાર્ટમેન્ટમાં મીના નામની મહિલાએ જુગાર કલબ શરૂ કરી હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ મહિલા સહિત સાત ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે, ઉમા ટાઉનશીપમાં આવેલ મંગલજયોત એપાર્ટમેન્ટમાં ડી-103 ફ્લેટમાં રહેતી મીનાબેન હરેશભાઇ સેરશીયા નામની મહિલા નાલ ઉઘરાવી જુગાર કલબ ચલાવે છે. જેને પગલે પોલીસ ટીમે દરોડો પાડતા મીનાબેન હરેશભાઇ સેરશીયા, જશીબેન દશરથભાઇ, દિપ્તીબેન ભાવેશભાઇ બાલધા, હિરલબેન યોગેશભાઇ ટીટોડીયા, મનીષાબેન હરેશભાઇ ખાચર, રવિભાઇ પુનીતભાઇ સેરશીયા અને મનિષભાઇ ઉર્ફે લાલો અજીતભાઇ સારદીયા તીનપતિનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 25,100 કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.