દેશપ્રેમી યુવાન અજય લોરીયાની આગેવાનીમાં સુપર માર્કેટ પાસે ફંડ એકત્ર કરાય રહ્યું છે ચીન સાથે ગાલવાન ઘાટીની અથડામણના શહીદોના પરિવારને સહાય કરી જવાનોને શ્રદ્ધાંજલિ અપાશે મોરબી : થોડા દિવસ પહેલા લદ્દાખમાં આવેલ ગાલવાન ઘાટીમાં ચીન અને ભારત દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં ભારતના 20 જેટલા જવાનો શહિદ થયા હતા. જેના કારણે દેશમાં લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર, ચીન વિરુદ્ધ સુત્રાચ્ચારો સહિતના કાર્યો દ્વારા વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. ત્યારે મોરબીના દેશપ્રેમી યુવાનો દ્વારા શહીદોના પરિવારને સહાય આપવા ફંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. આજે તા. 7ના રોજ મોરબીના યુવા ઉદ્યોગપતિ તથા દેશપ્રેમી અજયભાઈ લોરિયા તથા અન્ય યુવાનો દ્વારા સુપર માર્કેટ ખાતે મંડપ નાખીને રાહદારીઓ તથા વાહનચાલકો પાસેથી ફંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જે માટે લોકોએ મંડપ સુધી આવવું ના પડે તે માટે યુવાનો દ્વારા ટ્રાફિકની વચ્ચે જઈ અથવા સિગ્નલ માટે રાહ જોતા વાહનચાલકો પાસેથી ફાળો ઉઘરાવવાની જહેમત ઉઠાવવામાં આવે છે. જેમાં લોકો 'ફૂલ નહિ તો ફૂલની પાંખડી', તેમ યથાશક્તિ સહાય આપી રહ્યા છે. વધુમાં, તે મંડપમાં કોરોના વાયરસથી રક્ષણ મેળવવા માટે લોકોને ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ તે સ્થળે 'ચીન મુર્દાબાદ' જેવા સૂત્રોના પોસ્ટરો લગાવી ચીન સામે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. આ તકે અજયભાઇ લોરિયાએ જણાવ્યું છે કે 2 દિવસથી સુપર માર્કેટ ખાતે ફંડ ઉઘરાવ્યા બાદ આવતીકાલે તા. 8ના રોજ મોરબીના બાપા સીતારામ ચોક ખાતે ફંડ ઉઘરાવવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસો યુવાનો ગામડે-ગામડે જઈ ફંડ ઉઘરાવશે. આ તમામ ફંડ એકત્રિત કરીને શહીદોના પરિવારને પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અજયભાઇ લોરીયા તથા તેમની ટીમ દ્વારા ફંડ એકત્રિત કરી પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારોને રૂબરૂ મળીને આર્થિક સહાય પહોંચાડવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા લોકડાઉન દરમિયાન પણ રાશન કીટ વિતરણ સહિતના સેવા કાર્યો કરવામાં આવ્યા હતા. આમ, અજયભાઇ તથા તેમની ટીમ દ્વારા જરૂર પડ્યે દેશ અને સમાજ સેવાના કાર્યો કરી નૈતિક ફરજ અદા કરવામાં આવે છે.