નિવૃત્તિ બાદ પ્રવૃત્ત રહેલા ગુરુજનોનું વિશેષ સન્માન: 50 જેટલા વ્યક્તિ વિશેષ શિક્ષકોને સન્માનિત કરાયામોરબી અપડેટ: શિક્ષક દિનના અવસરની ઉજવણીના ભાગરૂપે, મોરબીમાં ઉમિયા નિવૃત્ત શિક્ષક મંડળ દ્વારા એક ભવ્ય સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રવાપર ચોકડી પાસે આવેલા ઉમા હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નિવૃત્ત ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્તિ બાદ પણ સમાજ ઉપયોગી કાર્યોમાં પ્રવૃત્ત રહેલા શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં કે. આર. પાડલિયાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ઉમિયા આરોગ્ય સમિતિના ડૉ. ભાલોડિયાએ નિવૃત્ત જીવનમાં સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, નિવૃત્ત લોકોએ દરરોજ સવારે યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવા જોઈએ. આરોગ્ય જળવાઈ રહે તે માટે નિયમિત ચેકઅપ કરાવતું રહેવું અને કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલું રહેવું હિતાવહ છે. નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. ભાવેશભાઈ જેતપરિયાએ પોતાના પુસ્તક અને શિક્ષકોની ગરિમા વિશે વાત કરી હતી.આ સમારંભમાં 50 જેટલા વ્યક્તિ વિશેષ નિવૃત્ત શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક મગનભાઈ જાકાસણીયા, 'હરતી ફરતી પ્રયોગશાળા' સમાન શિક્ષક રામજીભાઈ જાકાસણીયા, ચતુરભાઈ કુંડારિયા, મનજીભાઈ કોરડીયા, સી. સી. કાવર, ચંદુભાઈ દલસાણીયા, તળસીભાઈ મારવણીયા, દેવશીભાઈ પાડલીયા, શિક્ષક સંગઠનના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા, બેસ્ટ બીઆરસી એવોર્ડ પ્રાપ્ત કરનાર દિનેશભાઈ વડસોલા, રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક દિનેશભાઈ ભેંસદડીયા, શૈલેષભાઈ કાલરીયા, હર્ષદભાઈ મારવણીયા, ભુદરભાઈ બરાસરા, કે. વી. આદ્રોજા અને જીવરાજબાપા ફૂલતરીયા વગેરેનો સમાવેશ થાય છે.આ પ્રસંગે સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ કે. જી. કુંડારિયા, રામજીભાઈ જાકાસણીયા અને મગનભાઈ વરસડા સહિતના મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં વર્તમાન સામાજિક, શૈક્ષણિક અને આર્થિક તાણાવાણા તેમજ સામાજિક ચિંતન રજૂ કર્યા હતા અને નિવૃત્ત ગુરુજનો આવી રીતે સમયાંતરે મળતા રહે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરતા દિનેશભાઈ વડસોલાએ જણાવ્યું હતું કે, 'આ નિવૃત્ત થયેલ પેઢીએ ખૂબ જ અગવડમાં, સાધનોના અભાવમાં અને ઓછા પગારમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી છે. છતાં ક્યારેય કોઈના પ્રભાવમાં આવ્યા વગર ભાવથી વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને પૂરી નિષ્ઠાથી વિદ્યાર્થીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કર્યું છે.' આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દાતા તરીકે ભગવાનજીભાઈ રંગપડીયા, ખોડીદાસ પાડલીયા અને હંસરાજભાઈ અઘારાએ યોગદાન આપ્યું હતું.#MorbiUpdate #MorbiNews #TeachersDay #RetiredTeachers #Felicitation #UmiyaMandal #EducationNews #Morbi